વાત : ૧૨૯
નિર્વિકલ્પ નિશ્ચયવાળાને પંચવિષયને વિષે પણ અને ત્રણે અવસ્થામાં દેશકાળે પણ રાગ ન થાય તથા કામ, ક્રોધ, લોભ, માન, મત્સર, ઈર્ષા, અસૂયા અને રસાસ્વાદ, અહંમમત્વ આદિક કોઈ અધર્મના સર્ગમાં લેવાય નહિ અને તે કોઈ દેશકાળે પણ એને વિષે ન લેવાય કેમ જે એ ભૂંડા દેશકાળાદિકને સેવે જ નહિ અને પંચવિષયમાં તથા કામાદિક અધર્મના સર્ગમાં જો લગારેક પણ લેવાય તો એમ જાણવું જે એને વિષે એટલું સવિકલ્પપણું છે. તે જેમ બ્રહ્મા, વિષ્ણુ, શિવ, વિરાટ, પ્રધાનપુરુષ, મૂળપ્રકૃતિપુરુષ એ સર્વે સવિકલ્પ નિશ્ચયવાળા છે તો એ વિષયનો ત્યાગ કરવા જાય તો પણ વિષયમાં એક રસ થઈ જાય છે, પણ ઐશ્વર્યનો ત્યાગ કરીને સત્તારૂપ થઈને એ ઉપાધિનો ત્યાગ નથી થાતો. અને જો અક્ષરના મુક્ત ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા છે તો એક પુરુષોત્તમ એવા જે શ્રીજીમહારાજ તેની મૂર્તિમાં જ સુખ પામે છે પણ તે મૂર્તિ વિના અક્ષરના સુખે તથા આત્માના સુખે કરીને પણ અકળાઈ જાય છે પણ તે મૂર્તિ વિના રહી શકતા નથી અને વળી એમ સમજે જે મહારાજને તો કોઈને નિવૃત્તિ ધર્મની તથા પ્રવૃત્તિ ધર્મની એ આધિક કોઈ ક્રિયા કોઈ પાસે કરાવવી નથી. એ તો જેને જે ક્રિયા કર્યાનો રાહ હોય તેને તે ક્રિયાને વિષે પ્રેરે છે પણ પોતાને તો એક પોતાની મૂર્તિનાં જ દર્શન કરાવવામાં છે પણ બીજું કાંઈ કોઈ પાસે કરાવવું નથી અને જે મહાપુરુષાદિક ઐશ્વર્યમાં જોડાણા છે તે તો પોતાને એ ઐશ્વર્યને ભોગવવાની વાસના છે, માટે જોડાણા છે એમ જે સમજતો હોય તેને નિર્વિકલ્પ નિશ્ચયવાળો જાણવો.।।૧૨૯।।