વાત : ૨૫૪
પ્રથમ સત્સંગમાં આવે ત્યારે દેહનું માન હોય પછી ભક્તિનું માન આવે છે ને પછી આત્મજ્ઞાનનું માન આવે છે ને તે પછી ઉપશમે કરીને એ સર્વેનું માન ટાળે છે ને જો અસત્ય સંકલ્પ થાય તો તેને ‘‘त्यजधर्मधर्मं च उभेसत्यानृतेत्यज’’ (અર્થ :- નારદજી - હે શુકજી ! ધર્મરૂપ તથા અધર્મરૂપ, સત્યરૂપ તથા અસત્યરૂપ સંકલ્પનો ત્યાગ કરો. - ભા. મોક્ષધર્મ અ. ૩૩૦ શ્લોક ૪૦) એ શ્લોકે કરીને સત્તારૂપ થઈને ટાળે ને નિયમ, વિચાર ને ઉપશમ તેણે કરીને સ્થૂલ આદિકના સંકલ્પને ટાળે ને જુવાન અવસ્થાવાળાને તો યુક્ત ભોજન કરવું ને નવધા ભક્તિ આળસ મેલીને કરવી ને ઉપશમનો અભ્યાસ પ્રમાદ મેલીને કર્યા કરવો ને સત્પુરુષનો સંગ રાખવો ને માંદાને ને વૃદ્ધને તો યુક્ત આહાર ને ઉપશમ ને સત્પુરુષનો સમાગમ કરવો.।।૨૫૪।।