વાત : ૧૩૯

દેશકાળાદિક આઠ છે તેમાં સર્વ કરતાં સંગનું બળ અતિ અધિક છે કેમ જે સત્પુરુષનો સંગ હોય તો દેશકાળાદિક સારા જ થાય છે અને અસત્પુરુષનો સંગ થાય તો દેશકાળાદિક અસત્‌ થાય છે. માટે જે પુરુષ રૂડા સત્પુરુષનો નિરંતર સંગ કરે તો એ સારો ને સારો જ રહે અને દેહાભિમાની એવા અસત્પુરુષનો સંગ કરે તો બગડી જાય છે. ત્યારે એક સંતે પૂછ્યું જે એ પુરુષને ક્યાં સુધી સત્સંગ કરવો ? ઉત્તર : જે એ પુરુષને સત્સંગ કરતે કરતે એવો સ્વભાવ થઈ જાય જે સારું ખાવું, સારાં વસ્ત્ર, સારી પથારી, માન ઇત્યાદિક જે પંચવિષય સંબંધી સારા પદાર્થનો જે યોગ તેનો સહજ સ્વભાવે અરુચિનો સ્વભાવ થઈ જાય. માટે એ સારા પદાર્થનો યોગ થાય, તો પણ તેનો ત્યાગ કરવો ગમે, પણ તેનો ભોગ તો ગમે જ નહિ. અને જેવે તેવે અન્ન વસ્ત્રાદિકને ભોગે કરીને દેહનિર્વાહ કરે એવો સ્વભાવ થઈ જાય ત્યારે જાણીએ જે એ સત્સંગ કરીને પક્વ થયો. અને જ્યાં સુધી એવો નથી થયો ત્યાં સુધી તો એનો એને ભય છે અને તેને જો સત્સંગનો જોગ રહે તો એ સારો રહે અને સત્સંગ ન કરે અને પોતે પોતાને જાણે જે હું તો હવે સારો થઈ ગયો માટે મારે હવે શો ભય છે ? એમ પ્રમાદ રાખે તો એનું ઠેકાણું ન રહે. અને જો એ પક્વ થયો હોય તો એ જ્યાં જાય ત્યાં એને એવું બળ હોય જે જ્ઞાન, વૈરાગ્ય, ત્યાગ, ધર્મ, ભક્તિ તે સંબંધી વાત કરીને કેટલાક પુરુષનો પોતાના જેવો સ્વભાવ કરે પણ પોતે કોઈ વિષયને ચાળે ચડી જાય નહિ. આ વાર્તા નિશ્ચિત છે પણ એમાં સંશય નથી.।।૧૩૯।।