વાત : ૩૮૬
જીવ માત્રને અતિશય બંધનકારી ક્યું પદાર્થ છે ? ઉત્તરઃ જે કોઈકે તો સ્નેહનું કહ્યું ને કોઈકે તો માનનું કહ્યું ને કોઈકે તો સ્ત્રી-દ્રવ્યાદિકના બંધનનું કહ્યું. એવી રીતે ઘણે પ્રકારે કરીને કહ્યું ને ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે અતિશય બંધનકારી તો દેહાભિમાન જણાય છે ને શ્રીહરિજીએ પણ વચનામૃતમાં કહ્યું છે જે દેહાભિમાનને વિષે સર્વે દોષ રહ્યા છે,ત્યાં દૃષ્ટાંત છે જેમ મોટું ફળિયું હોય તેમાં જેમ સર્વે આવી આવીને પડે છે તેમ દેહાભિમાનરૂપ ખાડો છે તે પંચ વિષયરૂપ તરણે કરીને ઢંકાણો છે ને તેને વિષે લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ ને માન આદિક સર્વે દોષ આવી આવીને પડે છે. માટે સત્ અસત્ના વિવેકે કરીને દેહાભિમાનરૂપ ખાડાને કાઢવાને અર્થે નિરંતર સદ્વિચાર કર્યા કરવો ને દેહને વૃક્ષરૂપે કરીને પણ કહ્યો છે. તેમાંથી મનરૂપી અંકુર થાય છે ને અહંમમત્વ રૂપી મોટાં મોટાં બે ડાળાં થાય છે ને દશ ઇંદ્રિયોરૂપ નાનાં ડાળખાં થાય છે ને સંકલ્પ વિકલ્પરૂપી અતિ નાની ડાળખીઓ થાય છે ને તેણે કરીને જીવ જે કર્મ કરે છે તે રૂપ પાંડદાં થાય છે ને જેમ પત્રે કરીને વૃક્ષ વધે છે તેમ કર્મે કરીને અનંત દેહ આવે છે.।।૩૮૬।।