વાત : ૧૮૮

જીવને મોક્ષને માર્ગે ચાલવું કઠણ છે. તેની વિગત જે સંસારમાંથી સત્સંગી થાવું હોય તો હજારો કારસા આવે અને સત્સંગ થાય તો પણ શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે દશમો વીસમો ભાગ કાઢીને નક્કી ભક્ત થાવું કઠણ છે અને એને સાધુ થાવું હોય તો હજારો ક્લેશ થાય અને સાધુ થઈને એકાંતિક સાધુને ઓળખવા અને એમને સંગે રહેવું તેમાં હજારો રોકનારા મળે અને એ પણ થાય તો પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવું ઘણું કઠણ છે. તે પણ થાય તો પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવું ઘણું કઠણ છે. તે પણ થાય તો પણ ભગવાનની નિરંતર સ્મૃતિ રાખવી એ કઠણ છે અને એ કરતાં પણ ઇંદ્રિયો અંતઃકરણને જીતીને ભગવાનનું જીવમાં ભજન કરવું તે કઠણ છે અને તે કરતાં પણ ચાર પ્રકારના પ્રલયે કરીને પ્રકૃતિપુરુષ પર્યંત સર્વે નાશવંત જાણીને ઉપશમ કરીને પોતાના આત્માને અક્ષરબ્રહ્મ સાથે એક કરીને શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન એ બેયે કરીને વાસના લિંગ દેહનો ભંગ કરવો, એ અતિ કઠણ છે અને તે સર્વે કરતાં પણ જાણીને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કરીને તે મહારાજની મૂર્તિમાં અતિ પ્રેમલક્ષણા ભક્તિએ કરીને સ્નેહ કરવો અને અક્ષરના સુખમાં ન લેવાય અને મૂર્તિને સુખે કરીને ગુલતાન રહે એવા ભક્ત થાવું સર્વેથી અતિ કઠણ છે. એવો મુક્ત થયો ત્યારે તેને સાધન માત્રનો અંત આવ્યો અને તે ભક્તને ભગવાનની મૂર્તિનું કેવું સુખ આવે તો જેવું ભગવાનને પોતાનું સુખ આવે છે તેવું એ ભક્તને ભગવાનની મૂર્તિમાંથી સુખ આવે છે.।।૧૮૮।।



ટિપ્પણી

નિરધારઃ નિર્ણય, નિશ્ચય.

કારસાઃ વિઘ્ન.

ગુલતાનઃ તલ્લીન, મશગૂલ.