વાત : ૪૮૭

સત્સંગ કરે છે તેને દિવ્ય દેહ કેમ બંધાય છે ? ઉત્તર : જે જેમ મૂર્તિનું બીબું મીણનું કરે છે તેમ પાંચ પ્રકારના રસ રેડે છે તે રસની મૂર્તિ બંધાય છે ને મીણનું બીબું ગળી જાય છે ને તે ઉપર માટીનું ખોખું હોય તેને ભાંગી નાખે છે તેમ ધર્મ-જ્ઞાનાદિક સાધન જેમ જેમ પક્વતાને પામતાં જાય તેમ તેમ દિવ્ય દેહને વિષે પ્રકાશાદિક ઐશ્વર્ય આવતાં જાય ને ચાર સાધન જીવને વિષે સંપૂર્ણ પ્રાપ્ત થાય છે ત્યારે દિવ્ય દેહ સર્વ પ્રકારે સંપૂર્ણ થાય છે ને તે પછી માટીનાં ખોખાંને ઠેકાણે જે સ્થૂલ દેહ તે પડી જાય છે ને જેમ મૂર્તિને ઘસી ભૂંસીને દિવ્ય કરે છે તેમ એ એકાંતિક ભક્તને શ્રીહરિજી મહારાજ અતિ દયાએ કરીને ને ભીની દૃષ્ટિએ કરીને સર્વે કસર ટાળી નાખે છે ને દેહાભિમાન તો સ્થૂલ દેહને વિષે રહે છે ને માન તો સૂક્ષ્મ દેહને વિષે રહે છે. એ રીતે બે પ્રકારે માનના વિવેકની કરી.।।૪૮૭।।