વાત : ૧૧૮
આત્મનિષ્ઠાની એમ રીત છે જે આપણામાં જે ખરેખરા ત્યાગી છે તે આત્મનિષ્ઠાએ કરીને દેહ ને દેહ સંબંધી પદાર્થ તથા દેહના સંબંધી એ સર્વેને નાશવંત જાણીને એનો અતિશય નિષેધ કરીને તથા દોષ, દુઃખ ને નાશવંતપણું જાણીને મનને વિષે એનો અતિશય નિષેધ કરી નાખ્યો છે. તે માટે એ પૂર્વે દેહાદિક કહ્યા તેનો કોઈક અતિશય નિષેધ કરે તથા પોતાને વસમાં લાગે એવાં વચન કહે તથા પોતાના સંબંધીને કોઈ ખોદે તો પણ એને એનો અવગુણ ન આવે. શા માટે જે એણે તો આગળથી જ એવો નિર્ધાર કરી રાખ્યો છે જે આ દેહ ને દેહના સંબંધી તે તો જેવાં પૂર્વ જન્મનાં તેવાં આ પણ છે. માટે તેણે કરીને મનમાં હર્ષ-શોક ન કરે તથા મનમાં પણ વસમું ન લાગે પણ દેહે કરીને ગૃહસ્થની પેઠે ટાઢ, તડકો, શ્રમ, ભૂખ, તરસ તે ખમાય નહિ. શા માટે તો એનો દેહે કરીને અભ્યાસ નથી કર્યો અને ગૃહસ્થે તો દેહે કરીને તેનો અભ્યાસ કરી રાખ્યો છે. માટે દેહના કષ્ટને ખમે છે પણ જો કોઈ દેહ ને દેહના સંબંધીને ખોદે તો મુવાથી પણ વસમું લાગે.।।૧૧૮।।