વાત : ૩૯૮
વિષય છે તે બે પ્રકારના છે :-
(૧) સ્થૂલ, (૨) સૂક્ષ્મ. બંનેનાં લક્ષણ :-
(૧) જેની ઉપર પોતાને અતિશય ભાવ ન હોય અને સહેજે ન જોઈતા હોય તે આવે તો તેની ઉપર પોતાને અતિ ભાવ પણ ન થાય અને અભાવ પણ ન થાય. એવા જે વિષય તેને સ્થૂલ કહેવાય. એ સ્થૂલ વિષયને ત્યાગ કરવા અતિશય કઠણ નથી.
(૨) જેની ઉપર પોતાના મનને અતિશય રુચિ હોય અને પોતાના મનને અતિશય ગમતા હોય તે વિષય ત્યાગ કરવા ઘણા કઠણ છે અને એમને ટાળ્યાનો તો એ મોટો ઉપાય છે જે સ્ત્રી, ધન, માન, સ્વાદ આદિક જે જે ઉપર પોતાના મનને રુચિ હોય તે વિષયને વિષે દોષ બુદ્ધિનો અતિશય વિચાર થવા લાગે ને મનગમતા વિષયનો ત્યાગ કરે અને દોષબુદ્ધિની ગ્રંથિ પડે ત્યારે ટળે અને કેવળ ઉપરથી ત્યાગ કર્યો હોય અને વિષયનો જોગ ન હોય તો ત્યાગ રહે અને જ્યારે એવો જોગ થાય ત્યારે તેમાં બંધાય, પણ જો દોષબુદ્ધિની દૃઢતા કરી હોય તો જ્યારેએ વિષય સાંભરે તે ભેળે દોષબુદ્ધિની પણ સ્મૃતિ થઈ આવે માટે એ વિષયમાં જોડાય જ નહિ. અને એમાં એમ દોષદૃષ્ટિ કરવી જે એ સ્ત્રી, ધનાદિકને વિષે અનેક પ્રકારનાં દુઃખ, ક્લેશ, પ્રયાસ, શોક, મોહાદિક રહ્યા છે અને એમાં ત્રિકાળે સુખનો તો ગંધ પણ નથી અને પોતાને આત્મારૂપ માનીને ભગવાનનું ધ્યાન કરવું તથા કથા કીર્તન, ગુણવર્ણન કરવાં તેમાં જ પરમ સુખ રહ્યું છે એ આદિક ભગવાનનું માહાત્મ્ય વિચારીને બીજાં જેટલાં માયિક સુખ, લોક, ભોગ, દેહ તેમાં દુઃખના સમૂહ નજરે આવે ત્યારે એ સૂક્ષ્મ વિષય તે ટળી જાય છે.।।૩૯૮।।