વાત : ૨૮૮

શિષ્ય, વાહનાદિકે કરીને તથા ભોજન, છાદનાદિકે કરીને જે આનંદ પામવું એ તો બાહરેલું સુખ છે ને નાશવંત ને નિરાનંદ છે. તે કહ્યું છે જે,

योंऽतः सुखोंऽतरारामस्तथांतर्ज्योतिरेव यः ।

स योगो ब्रह्मनिर्वाणं ब्रह्म भूतोऽधिगच्छति।।

અર્થ :- જે પુરુષ આત્મસુખના અનુભવવાળો, ધ્યાન કરવા યોગ્ય આત્મસ્વરૂપમાં આરામ કરનાર, આત્મધ્યાને કરી પ્રકાશવાન તેમજ જ્ઞાનયોગમાં નિષ્ઠાવાળો છે તે બ્રહ્મરૂપ થકો અક્ષરબ્રહ્મ સંબંધી સુખને અનુભવે છે. (ગી. અ. ૫-૨૪)

તે વાસ્તે અંતર્દૃષ્ટિએ કરીને આત્માને વિષે રહ્યા એવા જે પરમાત્મા શ્રીહરિજી મહારાજ તેમને જોવા ને તેમના ધ્યાનના સુખે કરીને સુખિયા થાવું ને પંચ વિષયને વિષે જેવી પ્રીતિ ને જેવી તૃષ્ણા છે તેવી જ શ્રીજીમહારાજના મહિમાને વિષે તથા આત્મનિષ્ઠાને વિષે પ્રીતિ ને તૃષ્ણા રાખવી ને પંચવિષયમાંથી તો જરૂર ઉખેડવી ને માયાને વિષે તો એવું વિચિત્રપણું રહ્યું છે જે તેમાં દેવ મનુષ્યાદિક પણ સર્વે લોભાઈ રહ્યાં છે પણ અંતે જાતાં તો તે ગોડિયાની બાજી જેવું જ છે એમાં સંશય નથી.।।૨૮૮।।



ટિપ્પણી

છાદનઃ ઓઢવાનું હોય તે, આચ્છાદન.

નિરાનંદઃ નિઃઆનંદઃ આનંદ વગરનું, દિલગીર.

ગોડિયાની બાજીઃ નટની રમત, જે સાચી ન હોય પણ સાચા જેવી જ લાગે.