વાત : ૩૫

અને સત્શાસ્ત્રનો ને ધર્મનો અધિકારી હોય અને સિદ્ધિને અર્થે યત્નને કરતો હોય તેને મધ્યે ભગવાનને અર્થે પ્રયત્નને કરતો હોય ને તે મધ્યે ભગવાનને જાણીને યત્ન કરતો હોય એવા હજારો હજાર ભેગા કરીએ તો તે મધ્યે કોઈક જ્ઞાની ભગવાનનું સ્વરૂપ, સ્વભાવ, ગુણ, ઐશ્વર્ય તે અંતે રહિત છે તો પણ તેને તત્ત્વે કરીને યથાર્થ પોતાના જ્ઞાનની વિશાળતાને અનુસારે કોઈક જાણે છે પણ જેમ છે તેમ તો અંતને નથી પામતો, ને ભગવાન પોતે પણ પોતાના મહિમાના અંતને નથી પામતા તો બીજા તો પામે જ કેમ ? એવા સર્વોત્કૃષ્ટ હરિકૃષ્ણ પુરુષોત્તમ તેમણે અનેક કોટી બ્રહ્માંડનાં ને બ્રહ્મપુરાદિક ધામનાં જે સમગ્ર ઐશ્વર્ય તે પોતાની મૂર્તિને આધીન છે તે સમાધિએ કરીને દેખાડીને તથા સહુ સહુના ઇષ્ટદેવરૂપે પોતે પોતાનું દર્શન દઈને અનંત જીવને પોતાનો સર્વોપરી મહિમાએ સહિત નિશ્ચય કરાવ્યો. એવી રીતે સર્વોપરી ને સ્વરાટ થકા પોતે વર્તે છે એમ પ્રત્યક્ષ મૂર્તિ જે શ્રીહરિજી તેમનો મહિમા સમજે છે તેને જ શ્રીહરિજીનું ધ્યાન થાય છે. દેહ અને દેહ સંબંધી પદાર્થ તેને કાકવિષ્ટા તુલ્ય જાણે ને કોઈના ગુણદોષમાં ન ભળે ને નિંદા સ્તુતિનો ત્યાગ કરે અને નેત્ર, શ્રોત્ર અને વાણી તેને જીતે અને ઠેકડી, મશ્કરી, આળસ, પ્રમાદ તેને ટાળે અને યથાર્થ નિર્બીજ સાંખ્ય ને નિર્બીજ યોગને જાણે અને સબીજ સાંખ્ય ને સબીજ યોગ તેને શુદ્ધ સંપ્રદાયે કરીને એકાંતિક સંત થકી જે સમજે છે તેને મૂર્તિનું ધ્યાન થાય છે. ।। ૩૫ ।।



ટિપ્પણી

કાકવિષ્ટાઃ કાગડાનું ચરક.

નિર્બીજઃ ભગવાનના સંબંધ વિનાનું.

સબીજઃ ભગવાનના સંબંધવાળું.

સાંખ્યઃ કપિલમુનિએ રચેલું શાસ્ત્ર.

યોગઃ પતંજલિમુનિએ રચેલું શાસ્ત્ર.