વાત : ૭૫

કોઈકને તો ભજન કરવું ગમે ને કોઈને શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેવું ગમે ને કોઈકને નવધા ભક્તિ કરવી ગમે ઇત્યાદિક શ્રીજી સંબંધી ક્રિયા જુદી જુદી ગમે છે ને કોઈકને તો એ સર્વે ગમે છે તે કેમ હશે ? ઉત્તર જે શ્રીજીમહારાજને વિષે એ ભક્ત જેવા જેવા ભાવે યુક્ત હમણાં અથવા મોરે વરત્યા તેવા ગુણ એ ભક્તને વિષે આવે છે તે ઉપર ગુણાતીતાનંદ સ્વામીના ને મુક્તાનંદ સ્વામીના દૃષ્ટાંતે કરીને વાર્તા બહુ કરી.।।૭૫।।



ટિપ્પણી

ગુણાતીતાનંદ તથા મુક્તાનંદ સ્વામીનાં દૃષ્ટાંતઃ સ. ગુ. શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીહરિની સર્વોપરી ઉપાસના પ્રવર્તાવી, શ્રીહરિની મૂર્તિનું અખંડ અનુસંધાન રાખીને સેવા, ધ્યાન, ભક્તિ, ત્યાગ વગેરે દૃઢ કરાવી સત્સંગ કરાવ્યો. સ. ગુ. શ્રી મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિનો મહિમા, સ્વરૂપનિષ્ઠા ને આજ્ઞાપાલન પ્રવર્તાવ્યા. ગઢડા અંત્ય. ૨૪, ૩૩, સારંગપુર ૩ ને ગઢડા મધ્ય ૬૨- આ વચનામૃતમાં સ. ગુ. શ્રી મુક્તાનંદ સ્વામીના ગુણનું વર્ણન છે.