વાત : ૨૪૨
જીવ જે જે કરે છે તે એમ કરે છે જે માન, મોટપ ને વિખ્યાતિ કરવી તથા પોતાની મોટપ જણાવવી તેને અર્થે શાસ્ત્ર ભણે છે તથા સારા અક્ષર લખવા શીખે છે તથા સારી રસોઈ શીખવી તથા ગાવણું શીખવું તથા કીર્તન શીખવાં તથા વાતો શીખીને કોઈને ઉપદેશ કરવો, એ આદિક ક્રિયાને ભામે ચડી જાય છે પણ કોઈ એવે ભામે નથી ચડતો જે આ જીવનો મોક્ષ કરવો તેમાં અંતરરાયરૂપ એવો જે દેહરૂપ જે રથ છે તેને ઇંદ્રિયોરૂપ ઘોડા જોડ્યા છે અને મનરૂપ રાસડી છે તેને બુદ્ધિરૂપ જે સારથી તે રથનો હાંકનારો છે અને રથી જે જીવ તે બુદ્ધિરૂપ સારથીને નિયમમાં કરીને મનરૂપી રાસડી વતે ઇંદ્રિયોરૂપ ઘોડાને વશ કરીને દેહને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તાવે અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય.ને અતિ દૃઢ કરીને મનના સંકલ્પને જીતીને અને અતિ ઉત્તમ ઉપશમને સિદ્ધ કરીને તે ઉપશમ ને ભગવાનનું ધ્યાન કરીને, વાસના જે અવ્યક્ત રાગ છે તેને ટાળી નાખીને ભગવાન અને ભગવાનના ભક્તને વિષે જેવી દેહને વિષે આત્મબુદ્ધિ વર્તે છે તેવી આત્મબુદ્ધિ કરીને મહારાજનું નિરંતર ધ્યાન કરવું અને તેમાં જે અંતરાય કરે તેનો ત્યાગ કરવો. આ વાતનો આગ્રહ કોઈ નથી કરતા અને આટલી વાત કરીએ છીએ પણ કોઈને ચટકી ચડતી નથી.।।૨૪૨।।
ટિપ્પણી
ચટકીઃ તીવ્ર લાગણી, ચાનક.