વાત : ૨૧૪
બે પ્રકારના મનુષ્ય છે તેમાં એકનાં દેહ, ઇંદ્રિયો ને અંતઃકરણ એ સર્વે અર્થ, ધર્મ ને કામ પર વર્તે છે ને અર્થાદિકને સારુ ઉધમ કરે છે ને તે આત્માને જાણે છે ને સૂક્ષ્મ દેહને પણ જાણે છે ને તે અર્થાદિકને વિષે અનેક ભેદ રહ્યા છે તેની વિગત જે કોઈકને તો ઇંદ્રાદિકના અર્થ- કામાદિક જોઈએ છીએ ને કોઈકને તો બ્રહ્માદિકના ને કોઈકને તો બૃહસ્પત્યાદિકના ને કોઈકને તો વૈરાજપુરુષના ને કોઈકને પ્રધાનપુરુષના ને કોઈકને મૂળપુરુષના અર્થ- કામાદિક જોઈએ છીએ ને તે અર્થાદિક તો લોભ, કામ, સ્વાર્થ, સ્નેહ, માન, ક્રોધ, ઈર્ષ્યા, મદ, મત્સરાદિકે કરીને ભરેલ છે અને બીજાને દેહ, ઇંદ્રિયો ને અંતઃકરણ એ સર્વે મોક્ષ પર વર્તે છે ને તેનાં લક્ષણ જે પ્રકૃતિ પુરુષ ને તેનાં સર્વે કાર્ય તેને અસત્ય ને અત્યંત અસાર ને નાશવંત ને તુચ્છ ને સ્વપ્નતુલ્ય એવાં જાણે ને જીવાત્માને બ્રહ્મ સાથે એકપણાને પમાડીને પરબ્રહ્મ પુરુષોત્તમને ભજે છે એ વાત ઉપર આ ત્રણ શ્લોક છે. તેનાં નામ જે,
आत्माराश्च मनुयो निर्ग्रंथा अप्युरुक्रमे ।
कुर्वन्त्यहैतुकीं भक्तिमित्थं भूत गुणो हरिः।।१।।
ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न कांक्षति ।
समः सर्वेषु भूतेषु भद्भक्तिं लभते पराम्।।२।।
धर्मस्थितैरुपगतैर्बहतासहैक्यं, सेव्यो हरिः ।
सितमहःस्थित दिव्य मूर्तिः।।
शब्दाद्यरागिभिरिति स्वमतं वदन्तम् ।
त्वां भक्ति धर्म तनयं शरणं प्रपद्ये ।।३।।
૧. અર્થ :- આત્મસ્વરૂપમાં જ આરામ માનનારા, કામ ક્રોધાદિક દોષોથી રહિત મુનિઓ પણ, બહુ પરાક્રમવાળા પરમાત્મામાં નિષ્કામ ભક્તિ કરે છે. કારણ કે ભગવાનના ગુણો આત્મારામ મુનિઓને પણ આકર્ષણ કરે તેવા હોય છે. (ભા. પ્ર. અ. ૭-૧૦)
૨. અર્થ :- બ્રહ્મરૂપ થયો એટલે જેને આત્માસ્વરૂપનો આવિર્ભાવ થયો છે અને પ્રસન્ન મન છે, એટલે ક્લેશ કર્માદિ દોષથી જેનું મન વ્યાપ્ત નથી અને કોઈનો પણ શોક કરતો નથી, તેમ જ કોઈ પદાર્થને ઇચ્છતો પણ નથી અને સર્વ ભૂતમાં સમ છે એટલે કોઈ વસ્તુનો આદર નહિ કરનાર અર્થાત્ સર્વે વસ્તુને તૃણવત્ માને છે તે પુરુષ મારે વિષે પરા ભક્તિને પામે છે. (ગી. અ। ૧૮-૫૪)
૩. અર્થ :- ધર્મ સ્થિતરૂપ-શબ્દાદિક વિષય રાગે રહિત, પોતાના વર્ણાશ્રમ ધર્મમાં સદા વર્તતા, અને અક્ષરબ્રહ્મ સાથે આત્મસ્વરૂપના સાધરમ્યપણાને વિચારતા, અર્થાત્ હું અક્ષરબ્રહ્મ છું એવી ભાવના કરતા જનોએ અક્ષરબ્રહ્મના તેજ પૂંજ મધ્યે નિત્યે વિરાજમાન, દિવ્ય મૂર્તિ જેમની છે એવા ભગવાન સદા ઉપાસ્ય છે. આવા પોતાના સિદ્ધાંતને કહેનારા, ભક્તિ ધર્મના પુત્ર આપના શરણને પામું છું. (સ. જી. પ્ર. ૫ અ. ૬૬. શ્લો. ૨૧)
આ ત્રણ શ્લોકમાં જેવી વાત કહી છે તેવી જાતની રુચિ અતિશય પક્વ કરી હોય તો કોઈ કાળે ને કોઈ વિઘ્ને કરીને પણ ભક્તિનો નાશ થાય નહિ. ત્યાં દૃષ્ટાંત છે જે જીવને જ્યારે અંત સમો આવે છે ત્યારે મૂર્છાવસ્થા થઈ જાય છે તે સમે કાંઈ ખબર રહેતી નથી ને પાછો જ્યાં દેહ ધરે છે ત્યાં પૂર્વની પેઠે રાગ-દ્વૈષાદિકને લઈને ઊઠે છે તેમ જેને ધર્મ-જ્ઞાનાદિક સંબંધી અતિ પક્વ રુચિ થઈ હોય તો તે જ્યાં જાય ત્યાં એવી જ રુચિ લઈને ઊઠે છે.।।૨૧૪।।
ટિપ્પણી
બૃહસ્પત્યાદિકઃ બૃહસ્પતિ + આદિકઃ દેવોના ગુરુ, વગેરે.
મત્સરાદિકઃ મત્સર + આદિકઃ અદેખાઈ, વગેરે.