વાત : ૩૯૫
અને વળી એમ વિચાર કરવો જે ઇન્દ્ર એકોતેર ચોકડી રાજ્ય કરે છે, તે આગળ આ સુખ, દેહ ને આયુષ્ય તે મચ્છરનાં જેટલાં પણ નથી. અને તે ઇન્દ્ર પણ બ્રહ્માના એક દિવસમાં ચૌદ પડી જાય છે માટે તે ઇન્દ્ર પણ તેની આગળ મચ્છર જેવો પણ નથી. અને તે વિરાટ પણ પ્રધાનપુરુષની આગળ જેમ અસંખ્ય મચ્છર થાય ને મરી જાય તેમ અસંખ્યાત થાય છે ને મરી જાય છે. માટે તે સુખ પણ તે શું છે ? તેમ તે પ્રધાનપુરુષ પણ મહાપુરુષની આગળ શા લેખામાં છે ? જેમ મહાજળમાં અસંખ્ય પરપોટા થાય ને મટી જાય તેમ તે મહામાયાને વિષે અસંખ્યાત થાય છે, ને નાશ પામે છે. અને તે પ્રકૃતિ પુરુષને પણ જે પુરુષોત્તમ ભગવાન છે તે અનંત વાર અક્ષરમાં લીન કરે છે ને કાઢે છે માટે એ સુખ પણ નાશવંત છે તે માટે સર્વે જે સુખ તે પુરુષોત્તમની મૂર્તિમાં રહ્યું છે. અને તે સુખ કેવું છે ? તો જે સુખને અક્ષર ભોગવે છે. તથા અનંતકોટિ મુક્ત ભોગવે છે. તથા તે પુરુષોત્તમને ભજીને નવા અનંત મુક્ત અક્ષરધામમાં જાય છેતથા બીજા પણ અનંત તે પુરુષોત્તમને ભજીને જાશે તે ભોગવે છે. એવા જે એ અક્ષરધામના પતિ પુરુષોત્તમ શ્રીજીમહારાજ તે આજ આપણને મળ્યા છે ને તેની જે સુખમય મૂર્તિ તેમાં સુખ માત્ર રહ્યાં છે તે મૂર્તિને મેલીને આ લોકના વિષયમાં શું પ્રીતિ કરીએ ? એવી રીતે જે માહાત્મ્ય અને પૂર્વે કહ્યું જે આત્મજ્ઞાન એ બેને જો સિદ્ધ કરે તો વિષયમાંથી પ્રીતિ ટાળીને થોડાક દિવસમાં હમણાં આ દેહ છતાં જ નિર્વાસનિક થાય છે ને તે વિના તો વાસના ટાળવી ઘણી કઠણ છે. અને તે આત્મજ્ઞાન તથા માહાત્મ્ય તે ક્યારે સિદ્ધ થાય ? તો જ્યારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત પ્રેમલક્ષણા ભક્તિ તેણે યુક્ત ને મહારાજની અનુવૃત્તિ પ્રમાણે વર્તતા એવા જે સાધુ હોય તેની પાસે જ્યારે નિષ્કપટપણે શીખે ત્યારે સિદ્ધ થાય પણ તે વિના સિદ્ધ ન થાય. ને તે માહાત્મ્ય તથા આત્મજ્ઞાન સિદ્ધ ન થાય ત્યાં સુધી વાસના પણ ન ટળે.।।૩૯૫।।