વાત : ૨૦૭
શ્રીહરિકૃષ્ણજીનો ભક્ત હોય ને રજોગુણને વિષે અતિ આસક્ત વર્તતો હોય તો અનિરુદ્ધ કે બ્રહ્મા જેવો થાય છે ને તમોગુણને વિષે અતિ આસક્ત મતિ હોય તો સંકર્ષણ છે કે શિવજી જેવો છે ને સત્વગુણને વિષે અતિ દૃઢ આસક્ત મતિ હોય તે પ્રદ્યુમ્ન તથા વિષ્ણુ જેવો થાય છે ને જે એકાંતિકના સંગે કરી ભગવત્ ભક્ત થાય છે તે તો નિર્ગુણ કહેવાય છે ને એ તો સર્વેને વિષે શ્રેષ્ઠ કહેવાય છે ને એને વિષે પણ નિર્બળ ને બળવાન હોય છે તેમાં જે અતિ બળિયા એકાંતિક ભક્ત હોય છે તે તો શ્રીજીમહારાજની આજ્ઞાએ કરીને પ્રદ્યુમ્નાદિકને માન આવ્યું હોય તો તેના માનને ઉતારીને રૂડી રીત્યે સ્થાત્યાદિક ને ધર્મજ્ઞાનાદિકે સોતા પ્રવર્તાવે ને નિર્લેપ થકા પાછા આવીને સેવાને વિષે પણ તત્પર રહે છે ને જે હરિભક્તને સત્વગુણ પ્રધાન વર્તતો હોય તેને મૂંઝવણ તો આવે પણ તે સત્સંગનું અવળું કરે નહિ ને બીજા બે તો અવળું કરે પણ બીવે પણ નહિ. તે ઉપર ભીષ્મ, શંકર ને અક્રૂરને દૃષ્ટાંતે કરીને વાર્તા કરી.।।૨૦૭।।
ટિપ્પણી
સ્થિત્યાદિકઃ સ્થિતિ + આદિક.
ભીષ્મ, શંકર ને અક્રૂરનાં દૃષ્ટાંતઃ ભીષ્મ પિતામહ શ્રીકૃષ્ણને ભગવાન જાણતા હતા છતાં મહાભારતના યુદ્ધ વખતે કૌરવોના પક્ષમાં રહ્યા અને પ્રતિજ્ઞા કરી કે કાલે કાં તો પૃથ્વી ઉપર પાંડવવંશનો નાશ કરીશ કાં તો શ્રીકૃષ્ણને હથિયાર ધારણ કરાવીશ. ને જો તેમ નહિ કરી શકું તો દેહત્યાગ કરીશ. આ પ્રતિજ્ઞા જાણીને શ્રીકૃષ્ણએ દ્રૌપદીને દુર્યોધનની પત્ની જેવો વેષ પહેરાવી ભીષ્મપિતામહને પગે લાગવા મોકલ્યાં. દુર્યોધનની પત્ની જાણીને ભીષ્મપિતામહે દ્રૌપદીને ‘અખંડ સૌભાગ્યવતી થા’ એવા આશીર્વાદ આપ્યા. પછીથી શ્રીકૃષ્ણની આ લીલા જાણી, તેથી ભીષ્મપિતામહ તમોગુણના વેગમાં આવી શ્રીકૃષ્ણને ખૂબ બાણ મારવા લાગ્યા, શ્રીકૃષ્ણ લોહીલુહાણ થઈ ગયા, અર્જુન પણ એવા જ લોહીલુહાણ થયા. ત્યારે અર્જુનના રક્ષણાર્થે શ્રીકૃષ્ણે શસ્ત્ર ઉઠાવ્યાં. આમ, શ્રીકૃષ્ણને ભગવાન જાણવા છતાં તમોગુણના આવેગથી ભીષ્મપિતામહ અજાણ્યાની જેમ દુશ્મનની જેમ વર્ત્યા.
બાણાસુર હજાર હાથ સહિત અતિ બળવાન હતો. તેની પુત્રી ચિત્રલેખા (ઉષા = ઓખા)એ શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધનું ગુપ્ત રીતે અપહરણ કરાવી તેની સાથે લગ્ન કર્યું. અનિરુદ્ધને છોડાવવા શ્રીકૃષ્ણે બાણાસુર સાથે યુદ્ધ કર્યું. બાણાસુર શંકરના ઉપાસક હોવાથી, શ્રીકૃષ્ણને ભગવાન જાણવા છતાં શંકર બાણાસુરના પક્ષમાં રહીને શ્રીકૃષ્ણ સામે લડ્યા, તો ય બાણાસુર હાર્યો. આમ, શ્રીકૃષ્ણને ભગવાન જાણવા છતાં શંકર તેમની સામે લડ્યા.
અક્રૂર વંદનભક્તિવાળા હતા, તે છતાં તેમણે સુધન્વા પાસે સ્યમંતક મણિની ચોરી કરાવી. સુધન્વાએ મણિ અક્રૂરને દઈ દીધો ને પોતે ભાગી છૂટ્યો. શ્રીકૃષ્ણે તેનો પીછો કરીને તેને માર્યો પણ મણિ મળ્યો નહિ. અક્રૂરે કાશીએ જઈ ગંગાજી ઉપર મણિકર્ણિકા ઘાટ બનાવરાવ્યો. શ્રીકૃષ્ણે એ જાણ્યું ને અક્રૂર પાસેથી મણિ લઈ આવ્યા. આમ અક્રૂર ભક્ત હોવા છતાં ભગવાન પાસે કપટ કર્યું.
એ રીતે જે હરિભક્ત સત્ત્વગુણ પ્રધાન ન વર્તે તેનાથી અવળું કર્મ થઈ જાય.