વાત : ૫૧૨
પછી દોલતરામે ફરી પૂછ્યું જે જ્ઞાતા ને જ્ઞાન તે કેમ સમજવું ? ત્યારે સ્વામીએ કહ્યું જે જેમ દૂધનું પાત્ર હોય તેમાંથી કટોરામાં લઈને હાથે કરીને પીવે છે ત્યારે દૂધનું સુખ જીભને આવે છે પણ હાથ તથા પાત્રને નથી આવતું. તેમ જે જીવ છે તે પોતાની જ્ઞાનમય શક્તિ વડે કરીને જાણે છે ત્યારે તે જ્ઞાન જીવને થયું પણ નેત્રાદિક ઇંદ્રિયોને તથા તેના દેવતા અને ગોલકને થતું નથી. તથા શ્રોત્રાદિક જે ઇંદ્રિયો તથા અંતઃકરણ તથા એમનાં ગોલક તથા એમના દેવતા તથા એમના વિષય એ સર્વેને પોતા જ્ઞાતા રૂપે જીવ તે પોતાની જ્ઞાનરૂપ જે શક્તિ તે વડે કરીને નોખાં નોખાં સમજે છે. જેમ સૂર્ય છે તે પોતે તેજોમય છે ને પોતાની તેજરૂપ જે શક્તિ તેણે કરીને બ્રહ્માંડમાં પ્રકાશ કરે છે ને પોતે તો સદાય મૂર્તિમાન પોતાના લોકમાં રહે છે. તેમ જે જીવ છે તે પણ પોતે સદાય હૃદયમાં રહ્યો છે ને ત્યાં જ રહ્યો થકો પોતાની જ્ઞાનરૂપ શક્તિએ કરીને નખશિખપર્યંત સર્વે ઇંદ્રિયુંને તથા અંતઃકરણને એકકાળે જાણે છે. ને જો એમ કહીએ તો બ્રહ્મજ્ઞાનીની પેઠે સમજાય તે માટે આ કહ્યું તેમ જ્ઞાતા અને જ્ઞાનના સ્વરૂપને જાણવું.।।૫૧૨।।