વાત : ૫૩
એક દિવસ મોટા સંતે આ કીર્તન ગવરાવ્યું જે, ‘‘એક વાત સુણો વ્રજવાસી રે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે’’ એ ઉપર વિસ્તારીને પોતે વાર્તા કરી જે આકાશને ઠેકાણે તો અક્ષર છે ને અંધકારને ઠેકાણે માયા છે ને વાદળાંને ઠેકાણે મહા વિરાટ છે ને પક્ષીને ઠેકાણે ક્ષુદ્રવિરાટ છે ને વીજળીને ઠેકાણે અક્ષરના મુક્ત છે ને પોતે તો આકાશને વિષે જેમ શબ્દ છે તેની પેઠે અક્ષરમાં રહ્યા છે અને “मायापरैंत्यमिमुखं विलज्जमाना’’ એ શ્લોકમાં કહ્યું છે એમ પુરુષોત્તમ ભગવાન આગળ માયા ઊભી રહેતી નથી ને મહાપુરુષાદિકને તો પાસે રહે છે તે વૈરાજપુરુષના ને પ્રધાનપુરુષના ને મૂળપુરુષના ને અક્ષરના જે ભક્ત છે તે તો પરતંત્ર છે ને પુરષોત્તમના જે ભક્ત છે તે તો સ્વતંત્ર છે ને તે જેવો તેવો હોય તોપણ ઇંદ્ર, બ્રહ્મા, વૈરાજપુરુષ કે પ્રધાનપુરુષ જેવો થાય છે ને જેને ઉપાસના અતિશય દૃઢ હોય તો તે મૂળ પુરુષ જેવો પણ થાય ને સત્પુરુષના સંગે કરીને ધર્મ જ્ઞાનાદિકને અતિ પક્વ કરે તો અક્ષર જેવા એકાંતિક ભક્ત પણ થાય છે તે વાર્તા સોનાના તથા અંગ્રેજના મહેતાના દૃષ્ટાંતે કરીને કરી તેમાં એમ જાણવું જે પુરુષોત્તમના જે એકાંતિક ભક્ત છે તે સોનાની પેઠે પૂર્વે કહ્યા તેમ શ્રેષ્ઠ છે તથા અંગ્રેજના મહેતાની પેઠે શ્રેષ્ઠ છે.૨ ।। ૫૩ ।।
ટિપ્પણી
સોનાનું તથા અંગ્રેજના મહેતાનું દૃષ્ટાંતઃ વચનામૃત : ગઢડા મધ્ય ૪માં ત્રીજા પ્રશ્નમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે જેમ અન્ય ધાતુ છે તે સોનું છે તેને જમીનમાં દાટે તો સોના વિના અન્ય ધાતુ છે તે સર્વે લાંબા સમયે ધૂળ ભેગી થઈ જાય, પણ સોનું હોય તે તો જેમ વધુ સમય જમીનમાં રહે તેમ વૃદ્ધિ પામે પણ ઘટે નહિ. વળી, અંગ્રેજને ત્યાં સરકારી નોકરી કરતા મહેતાનો પગાર વર્ષે વર્ષે વધતો જ જાય છે. આ રીતે પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામેલા એકાંતિક ભક્ત શ્રેષ્ઠ છે ને દિન-પ્રતિદિન વધારે શ્રેષ્ઠ થતાં જાય છે.