વાત : ૨૪

મહામાયાને વિષે અનંત કોટી પ્રધાનપુરુષ ને અનંત કોટી વૈરાજપુરુષ લીન થાય છે અને પાછા ઉત્પન્ન થાય છે, અને કૈવલ્યાર્થી જે અનંત મુક્ત તે જેમ અક્ષરમાં લીન થાય છે ને પાછા ઊપજે છે અને જેમ ઐશ્વર્યાથી અનેક મહાપુરુષાદિકમાં લીન થાય છે અને પાછા ઉત્પન્ન થાય છે. તેમ અનેક કોટી સામાન્ય હેત માહાત્મ્યે યુક્ત જે મુક્ત તે તો અક્ષરના સુખને ભોગવે છે. તથા ભગવાનના સુખને પણ ભોગવે છે. ને અનંત કોટી ચિત્ર-વિચિત્ર મહા આશ્ચર્યરૂપ ને અત્યંત સ્નેહ માહાત્મ્યે યુક્ત જે એકાંતિક મુક્ત તે તો બ્રહ્મરૂપ થકા પ્રત્યક્ષ શ્રી સહજાનંદ પુરુષોત્તમ તેની ઉપાસના કરે છે. અને રાજા અને રાજાના ચાકરમાં ભેદ છે અને સૂર્ય અને પતંગિયામાં ભેદ છે ને જેમ ચંદ્રમા ને તારામાં ભેદ છે, તેમ પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમને લઈને એ અક્ષરાદિકને ભગવાન, પુરુષોત્તમ, કારણ, અવતારી કહ્યા હોય તે તો આ દૃષ્ટાંત દીધાં તેમ જાણવું. અને સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ પ્રકટ હરિકૃષ્ણ પુરુષોત્તમ છે એમ સર્વે મોટા સંતનો અને શ્રીજીમહારાજનો સિદ્ધાંત છે. ।। ૨૪ ।।



ટિપ્પણી

મહામાયાઃ મૂળમાયા.

કૈવલ્યાર્થીઃ કોઈ પણ બીજી ઇચ્છા વિના, અતિ હેતે કરીને ભગવત્સ્વરૂપમાં અતિશય સ્નેહથી રસબસપણે લીન થઈને રહેનારા મુક્તો.

ઐશ્વર્યાર્થીઃ મોટપ-ઐશ્વર્યની ઇચ્છાવાળા ભગવત્સ્વરૂપના સંબંધવાળા મુક્તો.