વાત : ૯૦

અને પુરુષોત્તમ ભગવાન પોતે મળ્યા પછી પણ મુક્તમાં ભેદ કેમ રહે છે ? તો તેનું કારણ એ છે જે જેને જેવા જ્ઞાનવાળો વક્તા મળે છે તે તેવા જ્ઞાનને પામે છે. અને જેને ઉત્કૃષ્ણ જ્ઞાનવાળો વક્તા મળ્યો હોય ને તે થકી જે જ્ઞાનને પામ્યા હોય તેને આવી રીતે જે પુરુષોત્તમ ભગવાનના સ્વરૂપને યથાર્થ જાણ્યામાં ફેર રહે છે તેનું કારણ એ છે જે તેના પૂર્વજન્મના બીજબળમાં ઉત્તમ, મધ્યમ કે કનિષ્ઠ એવો ભેદ છે. માટે જે મંદ બીજવાળો હોય તે બીજા અવતારને પુરુષોત્તમ જાણે; ને મધ્યમ બીજબળ જેને હોય તે અવતાર-અવતારીને જાણે તો ખરો પણ યથાર્થ જેમ છે તેમ ન જણાય, કિંચિત ફેર રહે; ને ઉત્તમ બીજબળ જેને હોય તે તો ઉત્કૃષ્ટ વક્તાને પામીને જેવા પુરુષોત્તમ છે તેવા જાણે માટે ઉત્કૃષ્ટ જ્ઞાન જેને હોય એવા જે મોટા એકાંતિક સાધુ તેનો જેને સંગ છે તેને જે ફેર રહે છે તેને બીજબળમાં ફેર છે એમ જાણવું.।।૯૦।।