વાત : ૫૫
એક સંતે પૂછ્યું જે શ્રીજીમહારાજ ને બીજા અવતાર સર્વે સરખા છે ? કે કાંઈ ભિન્ન ભાવ છે ? ત્યારે મોટા સંતે કહ્યું જે, સર્વે સરખા છે, ત્યારે તે સંત કહે જે સામર્થીમાં ન્યૂનાધિકપણું કેમ છે ? ત્યારે મોટા સંત કહે જે, એ તો જ્યાં જેટલી સામર્થી જણાવવી ઘટે ત્યાં તેટલી જણાવે. ત્યારે વળી તે સંત કહે જે વ્યાસજી ને પરશુરામ તો આવતા મન્વંતરને વિષે સપ્તર્ષિ થાશે એમનું કેમ ? અને શ્રીજીમહારાજ જ્યારે પ્રથમ પ્રગટ થયા ત્યારે જે જે અવતારના ઉપાસક પોતાને દર્શને આવતા તેને તેને તે તે મૂર્તિઓનાં દર્શન કરાવી દેતા ને વ્યાપકાનંદ સ્વામીને વિષે ચોવીસે અવતાર લીન કરાવી દીધા, ને પર્વતભાઈ જ્યારે ખેતર ખેડવા જાય ત્યારે ત્યાં પોતાના હળને આગળ સર્વે અવતાર જાણે ચાલતા હોય એમ પર્વતભાઈને ભગવાનના અવતારનાં દર્શન થાતાં. માટે એ સર્વે આવિર્ભાવ તો પુરુષોત્તમ ભગવાનને આગળ ન્યૂન જણાય છે. એ વાત સાંભળીને સર્વે દિગ્મૂઢ જેવા થઈ ગયા ને પછી મોટા સંત કહે જે, શ્રીજીમહારાજને મુખે તો ઘણીકવાર એવી વાત શ્રવણ કર્યામાં આવી છે પણ સમજણમાં આવવી કઠણ છે ને શાસ્ત્રમાં પણ હોય તે પણ અતિ મોટા સત્પુરુષ પાસેથી સમજાય છે. ।। ૫૫ ।।
ટિપ્પણી
મન્વંતરઃ એક મનુનો યુગઃ (૪૩,૨૦,૦૦૦) તેંતાલીસ લાખ વીસ હજાર વર્ષ.