વાત : ૩૮

સનકાદિક જે તે ત્યાગી છે ને નિષ્કામાદિક ધર્મને વિષે અતિ કુશળ છે તો પણ વૈરાજ ભેગા કેમ લયને પામે છે ને ફરી પાછા કેમ ઊપજે છે ? ઉત્તર જે એમને વૈરાજપુરુષની ઉપાસના છે તેણે કરીને વારંવાર જન્મ મૃત્યુને પામે છે ને મુમુક્ષુના કલ્યાણને અર્થે પ્રગટ થયા જે દત્ત, કપિલજી તે શ્રેષ્ઠ જણાય છે ને એથી ઋષભદેવજી શ્રેષ્ઠ જણાય છે ને તે કરતાં રામચંદ્રજી શ્રેષ્ઠ જણાય છે ને તે કરતાં શ્રીકૃષ્ણ ભગવાન તો અતિશય શ્રેષ્ઠ છે ને અતિ સમર્થ છે ને એ સંગાથે જે ભાવે કરીને જોડાય છે તેનું કલ્યાણ થઈ જાય છે. તે કહ્યું છે જે ‘‘कामाद्‌भयात्स्नेहाद्वापि’’૧ એ રીતે ભાગવતના શ્લોકમાં વાત કહી છે ને આજ તો આશ્રય માત્રે કરીને કલ્યાણ થઈ જાય છે એવી અલૌકિક વાત છે પણ એટલે કરીને પૂર્ણ ન થાવું ને ધર્મજ્ઞાનાદિક પુરુષ પ્રયત્ન કરીને શીખીને શ્રીજીના એકાંતિક ભક્ત થાવું ને સત્સંગ કર્યાનું એ જ ફળ છે. ।। ૩૮ ।।



ટિપ્પણી

નિષ્કામધર્મઃ મન, કર્મ, વચને કામવાસના રહિત વર્તન; બ્રહ્મચર્ય વ્રતનું પાલન.

વૈરાજઃ વૈરાટપુરુષ