વાત : ૨૬૦

વચનામૃતમાં નિર્ભય રહ્યાનું કહ્યું છે તેને કેમ સમજવું ? ઉત્તર જે એક તો આત્મનિષ્ઠા પક્વ હોય ને શ્રીહરિજીનું માહાત્મ્ય સહિત યથાર્થ જ્ઞાન હોય તો શ્રીજીમહારાજ જેમ કહે તેમ પ્રતીતિ આવે ને માર્ગમાં સિંહ કે સર્પ મળ્યો હોય તથા ઓગણોતેરા જેવો કાળ પડ્યો હોય ને તેવા સમામાં મહારાજ કહે જે નિર્ભય રહેજે, કોઈ ફીકર કરીશ મા, એ વચનની જેને યથાર્થ પ્રતીતિ આવે તેને તો ભય લેશમાત્ર રહે જ નહિ પણ જીવને પ્રાકૃત પદાર્થની પ્રતીતિ તરત આવી જાય છે. જેમ સિંહની બીક લાગતી હોય અને ત્યાં બે કોરે બે શૂરા રક્ષા કરતા જતા હોય ને કાળ પડ્યો તે સમે કોઈ હજાર બે રૂપિયા આપે તો જેવો નિર્ભય ને આનંદે યુક્ત થાય છે તેવો શ્રીહરિજીના વચનને વિષે નિર્ભય ને આનંદ યુક્ત થાતો નથી. તે સારુ સત્પુરુષનો સમાગમ કરીને કસર માત્ર ટાળીને સાધુ થાવું એથી કોઈ અધિક પ્રાપ્તિ નથી.।।૨૬૦।।



ટિપ્પણી

પ્રતીતિઃ વિશ્વાસ, ભરોસો.