વાત : ૪૩૧

ત્રણ પ્રકારનું બ્રહ્મચર્ય કહીએ છીએ : (૧) ત્રણે અવસ્થાની બાલ, જોબન ને વૃદ્ધ એ ત્રણ પ્રકારની સ્ત્રીઓને દેખે પણ મનમાં રાગ ન થાય ને સ્વપ્નમાં પણ વીર્યપાત ન થાય એવો જે હોય તેને ઉત્તમ બ્રહ્મચર્યવાળો પુરુષ કહેવાય. (૨) ત્રણે અવસ્થામાં ત્રણ પ્રકારની સ્ત્રીઓને દેખે પણ રાગ તથા ભોગબુદ્ધિ તો ક્યારેય પણ ન થાય પણ ક્યારેક રજોગુણને જોગે કરીને સ્વપ્નને વિષે યુવાન સ્ત્રીને દેખે તો કોઈ સમે મનમાં રાગ લારેક થાય ને વીર્યપાત તો તેને ત્રણે અવસ્થામાં ન થાય એવો જે હોય તેને મધ્યમ બ્રહ્મચર્યવાળો પુરુષ કહીએ. (૩) જાગ્રતમાં તો એ ત્રણે પ્રકારની સ્ત્રીઓને દેખે પણ રાગ ન થાય પણ સ્વપ્નને વિષે એ ત્રણે પ્રકારની સ્ત્રીઓને દેખીને રાગ થાય ને કોઈક સમે વીર્યપાત પણ થાય. ને તેનું તત્કાળ પ્રાયશ્ચિત્ત કરે તેને કનિષ્ઠ બ્રહ્મચર્યવાળો કહેવાય. એવી રીતે આ વાતને વિચારીને પોતાને ઉત્તમ બ્રહ્મચર્યમાં કાંઈક કસર હોય તો ધીરે ધીરે આગ્રહે કરીને ઉત્તમ બ્રહ્મચર્યવ્રત અતિ દૃઢ કરવું તો જ પુરુષોત્તમ ભગવાનની સેવામાં રહેવાય ને તેમાં કાંઈક કસર હોય તો સેવામાં ન રહેવાય ને ઉત્તમ બ્રહ્મચર્ય આવવું તે હઠયોગ વિના અતિ કઠણ છે તો પણ આ કહીએ છીએ એવો ઉપાય અતિ દૃઢ કરીને પાળે તો ધીરે ધીરે ઉત્તમ બ્રહ્મચર્ય દૃઢ થાય. તેનું સાધન આ પ્રમાણે કરવું : (૧) મનમાં અખંડ ભગવાનની સ્મૃતિ રાખવી ને મનમાં સ્ત્રીનો સંકલ્પ ન થાવા દેવો ને જો સ્ત્રીનો મનમાં સંકલ્પ ન થાય તો વીર્ય પાણી થઈને પરસેવા દ્વારે નીકળી જાય ને ધર્મામૃતમાં જે નિયમ કહ્યા છે તે દૃઢ પાળવા. (૨) ભગવાનનો મહિમા અતિ દૃઢ જાણવો. (૩) આત્મનિષ્ઠા અતિ પરિપક્વ કરવી. (૪) ઇંદ્રિયો અંતઃકરણને જીતીને પોતાને વશ કરીને તે થકી વિરક્ત વર્તવું. જેમ પટ્ટાનો રમનારો કોઈના લાગમાં નથી આવતો તેમ તે પણ ઇંદ્રિયો અંતઃકરણના પેચમાં ન આવે, આવી રીતની યોગનીતિને શીખે. (૫) દિવસે સૂવું નહિ, અને અર્ધી રાત ગયા પછી સૂવું, તે પણ હરણની પેઠે ફડકો રાખીને એક નિદ્રા આવે ને પછી જ્યારે જગાય ત્યાર પછી ફરીને સૂવું નહિ. (૬) બેસવું ત્યારે આસન વાળીને બેસવું તથા એક ઠેકાણે બેસવું. (૭) પ્રયોજન વિના જ્યાં ત્યાં ફરવું નહિ. (૮) રસના ઇંદ્રિયને જીતવી તેની વિક્તિ જે આહાર કરવો તે પણ ખાવું ત્યારે ત્રીજો ભાગ પાણીનો માગ રાખવો તે પણ એક વખત ખાવું તે કાચું કોરું કાંઈ ખાવું નહિ. મરચું, અતિ મીઠું, આદુ, ખટાશ તથા ઝાઝો આહાર, નિદ્રા તથા ગળ્યું, ચીકણું તથા રૂપ જોવું તથા શબ્દ તથા ગંધ તથા સ્પર્શ તથા રસ એ સર્વે કામની ઉત્પત્તિના કારણ છેતે માટે આ જે ઉપાય કહ્યા તેને દૃઢ કરીને રાખે ને એવી રીતે દૃઢ નિયમો પાળીને પછી મનને વશ કરવું ને મનને વશ કરીને અંતઃકરણને વશ કરવું. પછી એ સર્વનું નિષેધ કરીને કેવળ સત્તારૂપ થઈને જીવાત્માને વિષે ભગવાનની મૂર્તિને ધારે તો ઉત્તમ બ્રહ્મચર્ય સિદ્ધ થાય. ને જ્યારે ઉત્તમ બ્રહ્મચર્ય સિદ્ધ થાય ત્યારે ભગવાનની સેવામાં રહેવાય ને તેમાં કાંઈ કાચપ હોય તો પુરુષોત્તમની સેવામાં ન રહેવાય. તે માટે જે મુમુક્ષુ હોય તેણે આ વાતને વિચારીને પોતાને વિષે કાચ હોય તે ટાળીને ઉત્તમ બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કરવું.।।૪૩૧।।



ટિપ્પણી

વિરક્તઃ સ્પૃહા વગરનું.દ્બપટ્ટાનો રમનારોઃ તલવારથી લડી જાણનાર.

ફડકોઃ બીક, ધ્રાસકો.