વાત : ૨૨૬

ભગવાનનું ધ્યાન કરે તે દેખાડ્યાને અર્થે કરે તથા ભક્તિ કરે તે પણ દેખાડ્યાને અર્થે કરે ને જ્ઞાન કરે તે પણ દેખાડ્યાને અર્થે કરે ને વૈરાગ્ય રાખે તે પણ દેખાડ્યાને અર્થે રાખે અને ધર્મ પાળે તે પણ દેખાડ્યાને અર્થે પાળે ને સેવા કરે તે પણ દેખાડ્યાને અર્થે કરે ને કથા વાર્તા જે જે ક્રિયા કરે તે લોક જાણે તથા પોતાની મોટપ વધે તેને અર્થે તથા માન વધ્યાને અર્થે તથા દેખાડ્યાને અર્થે ઉપરથી કરે તેને કનિષ્ઠ પુરુષ જાણવો. અને જે પુરુષ દેખાડ્યાને અર્થે ને ભગવાન પ્રસન્ન થાય તે બેયને અર્થે કરે તેને મધ્યમ પુરુષ જાણવો. અને જે ધર્મ પાળે, તપ કરે, ત્યાગ કરે, જ્ઞાન કરે, વૈરાગ્ય રાખે, ભક્તિ કરે, ભગવાનમાં હેત કરે, સેવા કરે, ધ્યાન કરે ને કથા, વાર્તા, કીર્તન જે જે કરે તે કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે ને ભગવાનને અર્પણ કરે પણ લોક વખાણે સારુ ન કરે ને કોઈ માન આપે, અપમાન કરે, તથા તિરસ્કાર કરે તો પણ હર્ષ, શોકને ન પામે ને માન આપે તેમાં રાજી ન થાય ને તિરસ્કાર કરે તેમાં શોક ન કરે પણ રાજી રહે ને જે જે કરે તે ભગવાનને અર્પણ કરે એવો જે પુરુષ હોય તે ઉત્તમ પુરુષ જાણવો. તે સારુ જે જે કરવું તે ભગવાનને રાજી કર્યાને અર્થે કરવું પણ કોઈક વખાણે તે સારુ ન કરવું.।।૨૨૬।।