વાત : ૩૯૦

શાન્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું જે ચાંદ્રાયણ ને ધારણા-પારણાદિક જે વ્રત તેને આવરદા પર્યંત કર્યા કરે તો વાસના ટળે કે નહિ ? ઉત્તર : જે એમ કર્યાથી ઉપરથી ટળ્યા જેવું જણાય પણ કારણ શરીરમાંથી ન ટળે. જુઓને સૌભરી ઋષિને ને ચ્યવન ઋષિને ઉપથી તો જણાતું ન હતું પણ કારણ શરીરમાં વાસના હતી તો પરણવું પડ્યું. માટે વિષયને વિષે દોષબુદ્ધિ થયા વિના વાસના ટળે નહિ. ને જેમ અમારે વિષે તમારે હેત છે પણ જો દોષ આવે તો અમારો સંગ ગમે નહિ એમ નિત્યપ્રલયાદિકનો વિચાર કરીને માયિક પદાર્થને વિષે દોષબુદ્ધિ સમજીને આત્મસત્તારૂપ થઈને શ્રીજીમહારાજનું ધ્યાન કરીને વાસના ટાળે ત્યારે ટળે છે. તે ઉપર શૂરવીર પુરુષ હોય તેને દેહ, લોક, ભોગાદિકને વિશે વૃત્તિ નથી રહેતી ને રણમાં ટુક ટુક ઊડી જાય છે ને સતી પણ બળી જાય છે તેમ છે.।।૩૯૦।।



ટિપ્પણી

રણમાં ટુક ટુક ઊડી જાય છેઃ રણમેદાન લડાઈમાં ટુકડે ટુકડા થઈ જાય છે.દ્બવાત ૩૯૫: એકોતેર ચોકડીઃ એક ચોકડી એટલે સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ ને કળિયુગ એમ ચારે મળીને થતો સમય- તેંતાલીસ લાખ અને વીસ હજાર વર્ષ. આવી એકોતેર ચોકડી જેટલા સમય માટે એક ઇન્દ્ર સ્વર્ગમાં રાજ્ય કરે છે.