વાત : ૧૧૦

ઉપાસક, ઉપાસ્ય અને ધામ એ ત્રણ પ્રકારનો જાણતો જે ભક્ત તેણે કેવા ભક્તને વિષે પ્રીતિ રાખવી ? તો જે ભક્ત પોતે અક્ષરભાવને પામીને અક્ષરધામને વિષે સદાય રહ્યા એવા જે પુરુષોત્તમ ભગવાન તેને વિષે આત્યંતિકપણે જોડાયો હોય અને તેથી જે ઓરા ભાવ છે તે કોઈને વિષે ન જોડાય અને બીજાં ધામોમાં જે ભગવાનની મૂર્તિઓ રહી છે તથા સુખ, ઐશ્વર્ય રહ્યાં છે તે કોઈને વિષે આનંદ ન માને એવી રીતનો જે હોય તેની સાથે જ ગુરુભાવ ને મિત્રભાવ રાખવો અને જે ભક્ત એવો ન હોય તેને વિષે શિષ્યભાવ રાખવો અને તેને તો એમ જાણવો જે, જે જે રીતે જે જે ભક્ત ભગવાનને ભજે છે તે રૂડા છે અને ધીરે ધીરે કાળે કરીને પ્રથમના જેવા સર્વોત્કૃષ્ટ ભાવને પામશે. માટે એ પણ ઠીક છે અને નમસ્કાર કરવા યોગ્ય છે એમ સમજવું.।।૧૧૦।।