વાત : ૫૧૬

બીજું પુરુષોત્તમ પરમાત્મા જે પરબ્રહ્મ તેનાં બે સ્વરૂપ છેઃ એક નિર્ગુણ ને બીજું સગુણ. તેમાં જે નિર્ગુણ સ્વરૂપ તે ગોલોકથી પર જે શૂન્ય તેથી પર છે ને બીજું ગોલોકમાં રહ્યા એવા પરમાત્મા જે શ્રીકૃષ્ણ તે ભગવાનનું સગુણ સ્વરૂપ છે. અને ગુણે સહિત એવું જે ભગવાનનું સ્થૂળ શરીર તેમાંથી ભગવાનની જોગમાયાને અંશે કરીને બ્રહ્માદિક સર્વે દેવ થયા છે. અને ગુણ તે શું ? જે ચૈતન્યદેશ, પોતાનાં ઐશ્વર્ય અને યોગબળ તે થકી ઊપજ્યા એવા જે મહાવિષ્ણુ તે. અને સર્વેની જે ઉત્પત્તિ તે ભગવાનના એ ગુણ થકી છે ને પોતે જે ગુણી તે તો અચ્યુત છે તે ચ્યવે નહિ. જે ચ્યવવાનો સ્વભાવ તો ગુણી એવા જે પરમાત્મા તેને આશરે રહેલ જે ગુણ તેનો છે ને તે અંશઅંશીભાવે કરીને ચ્યવે છે ને વિસ્તાર પામે છે. અને ગુણી જે પરમાનંદ તે તો સરખા ને એક જ છે પણ બીજો કોઈ તે જેવો થાવાને સમર્થ થાતો નથી તે ગુણરૂપે તો થાય છે; અને મહાવિષ્ણુ જે અંશી તે વિરાટના અંતર્યામી છે ને તે વિરાટને વિષે બ્રહ્માંડ રહ્યું છે જેમ પાંચ ભૌતિક જે દેહ તેને વિષે રહ્યો જે જીવ તે બુદ્ધિને વિષે વિશેષપણે કરીને રહ્યો છે તે જીવનો વિશેષ અંશ છે ને અંતઃકરણ, દેવતા, ઇંદ્રિયું, પ્રાણ, પંચભૂત ને પંચ તન્માત્રા તે જીવના સામાન્ય અંશ છે, ને પંચભૂતના દેહને વિશે જે કરમિયાં તથા જૂ, લીખ, માંકડ, ચાંચડ રહ્યાં છે તે સ્થૂળ ભાવે રહ્યાં છે માટે તે જીવના સ્થૂળ અંશ છે, તે પ્રમાણે મહાવિષ્ણુ વિરાટના દેહમાં રહ્યા છે તે સ્થૂળભાવે રહ્યા છે, તે વિરાટ મહાવિષ્ણુનું બીજું રૂપ છે તે ઈંડનું ક્ષેત્રજ્ઞ છે. એવી રીતે ચૈતન્ય સ્વરૂપ જે મહાવિષ્ણુ તે માયાના ભાગ જે જડ અંશ તેણે કરીને સ્થૂળપણે અનેક પ્રકારે પ્રવર્ત્યા છે. ને પુરુષોત્તમ તો એક જ છે, તેને વિષે અંશઅંશીભાવ નથી. ને એવા જે એ શ્રીકૃષ્ણ પુરુષોત્તમ અચ્યુત તેને જે અંશઅંશી ભાવે કરીને સમજે છે તેને જૈન મતવાળા જાણવા ને દુષ્ટ જાણવા. અને એથી ઝાઝું ઝીણું કોઈ સમજવા જાશે તેને માયાનું આવરણ થાશે. અને એવા જે એ ભગવાન શ્રીકૃષ્ણ તેનું જે ધામ તે તેજોમય છે ને જેમ મહાપ્રલયને વિષે ઈંડનો નાશ થયા પછી એકલું જળ રહે છે પણ બીજો કોઈ આકાર રહેતો નથી, ભગવાનનું ધામરૂપ જે સ્થાનક તે તેજોમય છે. ને તે ધામને વિષે પોતાની દૃષ્ટિ પ્રતિલોમપણે રહે છે. ત્યારે ગોલોકને વિષે રહ્યા જે મુક્ત તે સર્વે તે ધામને વિષે જાય છે. પછી ગોલોકને વિષે વસ્તી રહેતી નથી ને એકલો ઉજ્જડ રહે છે ને નિરંજન રહે છે. અને બ્રહ્માંડનો પણ પ્રલય થાય છે ત્યારે સર્વે જે જીવ તે એકલી તમરૂપ એવી જે માયા જેને અવ્યાકૃત કહીએ તેને વિષે રહે છે. અને જે મુક્ત તે તો તેજોમય જે ભગવાનનું ધામ તેને વિષે નિર્ગુણપણે રહે છે, અને એ ધામને વિષે જે રહ્યું છે તે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. અને જ્યારે ભગવાન ગોલોક સામી અનુલોમ દૃષ્ટિ કરે છે ત્યારે તમ જે માયા તે સમી થાય છે ત્યારે તે ભગવાનની સગુણ સ્થિતિ ને પ્રતિલોમ દૃષ્ટિ તે નિર્ગુણ સ્થિતિ છે, અને ભગવાન જે પ્રતિલોમ દૃષ્ટિ કરે છે તે પોતાના જે ભક્ત તેને શુદ્ધ સત્વગુણમય જે દેહ ગોલોકને વિષે છે તેની નિવૃત્તિને અર્થે અને સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રાપ્તિને અર્થે છે. ને ભગવાનને તો સગુણ નિર્ગુણપણું નથી પણ તે સગુણ નિર્ગુણપણું તો ભક્તને છે, તે પરમાત્મા શ્રીકૃષ્ણ પરબ્રહ્મ જે પુરુષોત્તમ તેનું ધામ જે ગોલોકથી પર સચ્ચિદાનંદ ચિદાકાશ તેને વિષે રહેવું તે ભક્તનું નિર્ગુણરૂપ છે ને ભૌતિક આકાશને વિષે રહેવું તે સગુણ સ્વરૂપ છે. અને ભગવાન નારાયણ તે સગુણરૂપે કાળ આદિક શક્તિને ગ્રહણ કરીને રહ્યા છે તે તો બ્રહ્માંડને ઉપજાવવું, નાશ કરવો ને સ્થિતિ કરવી તેને અર્થે છે એમ જાણવું. અને પૃથ્વીને વિષે ભગવાનના અવતાર તો એકલા જીવના કલ્યાણને અર્થે જ થાય છે. અને એવા જે એ ભગવાન તેને સાક્ષાત્કાર ભજે તેની વિક્તિ જે ભગવાનને ખાતા પીતા આદિક ક્રિયા કરતા દેખે ત્યારે એમ જાણે જે ભગવાનનાં જે કર્મ તે તો જે ભગવાનને ભજે તેનાં કર્મ ટાળ્યાને અર્થે છે ને ભગવાન તો કૈવલ્ય છે, નિર્ગુણ છે ને ચેષ્ટાએ રહિત છે ને એમની જે સર્વે ક્રિયા તે તો જીવના કલ્યાણને અર્થે છે. એવા ભગવાનને જાણીને ભજે ને દેહને ખોટો જાણે ને એમ જાણે જે હું તો દેહ નથી, હું તો આત્મા છું, બ્રહ્મ છું, સાક્ષી છું, દૃષ્ટા છું ને અરૂપ છું. ને એમ સમજનારો જે ભક્ત તે તો ગોલોકથી પર જે ચિદાકાશ તેને વિષે જે અખંડ રાસ તેને પામે છે. અને એવો જે એ ઉત્તમ ભક્ત તેણે વૈરાટનો અંતર્યામી, દૃષ્ટા, સાક્ષી અને તુરિયાતીત જે વિશ્વાભિમાની તેની સાથે ઇંદ્રિયું અંતઃકરણ યુક્ત ત્રણ અવસ્થાએ યુક્ત અને ત્રણ શરીરે યુક્ત એવો જે ક્ષેત્રજ્ઞ જીવ તેને એક કરીને ધારવો. અને સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ તથા વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત એ સર્વેનો જે સાક્ષી તેને પોતાનું સ્વરૂપ માનવું અને પરમાત્મા તો પુરુષને બ્રહ્માંડ સાથે જોડે છે ને માયા સાથે જોડે છે ને જે માયા સાથે જોડાણો ને માયાને વિષે વ્યાપીને રહ્યો એવો જે એક રસ ચિદ્‌ધન તે બ્રહ્મ છે. ને તેને માયા સાથે એકરસપણાને જેણે પમાડ્યો તે પરબ્રહ્મ છે. અને પુરુષોત્તમ પરબ્રહ્મ પરમાત્માનો જેને સત્સંગ થયો હોય તેણે પોતાનું રૂપ બ્રહ્મ માનવું જે હું બ્રહ્મ છું. અને શ્રીમદ્‌ભાગવતમાં પણ એ વાર્તા છે જે પુરુષોત્તમ ભગવાનનો જે દાસ તેનું રૂપ બ્રહ્મ છે, માટે તેણે બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવી એ જ દાસપણું છે.।।૫૧૬।।



ટિપ્પણી

ઈંડઃ બ્રહ્માંડની ફરતું જે આવરણ (કોચલું, પડ) છે તે.

તુરિયાતીતઃ જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ પછીની ચોથી અવસ્થા તે તુર્યા અવસ્થા. તુર્યા અવસ્થાને પસાર કરી ગયેલા.