વાત : ૨૩૪

મહારાજ પધાર્યા પછી સાંપ્રત(અત્યારે) આટલું કાર્ય અવશ્ય વિચારીને કરવાનું છે તે કેવી રીતે તો મહારાજ બિરાજતા હતા ત્યારે આપણી વતે કોઈ અવળી ક્રિયા થઈ જાય ત્યારે મહારાજ કોઈ પ્રકરણ ફેરવે એટલે તે સર્વે મટી જાય અને પાછું સવળે માર્ગે ચલાય તથા મહારાજ ઠપકો દઈને આપણને સવળે માર્ગે ચલાવે. અને હમણાં તો સત્સંગનું કામકાજ આચાર્યની આજ્ઞાએ અથવા મોટા સાધુની આજ્ઞાએ કરવું પણ તેમાં પોતાને સ્ત્રી, ધનાદિક વિષયનો સંબંધ થઈ જાય અને વચનનું ઉલ્લંઘન થઈ જાય અને અંતે કોઈ પદાર્થમાં આસક્ત થઈ જવાય એવું વચન ન માનવું. એટલે તો પોતાને જાણે વિચાર કરવો. પણ તેમાં મોટેરાનો વિશ્વાસ ન રાખવો, કારણ કે મોટેરા તો પોતાના કામ કરાવવાના સ્વાર્થ પરાયણ હોય પણ આ જીવ આવો છે તે એને આનો સમાગમ થાય તો ઘટી જાય ને આનો સમાગમ થાય તો વૃદ્ધિ પામે એવી રીતે સર્વ પ્રકારે જીવનું પરલોકમાં હિત થાય એમ કરતાં આવડે એવા મોટેરા હોય કે ન હોય માટે આટલો પોતાને જ વિચાર કરવો.।।૨૩૪।।