વાત : ૨૭૯
વળી મળમૂત્રના ભર્યા થકા પૂજા ન કરવી ને નાહી-ધોઈને પૂજા કરવી એમ શ્રીજીમહારાજે અમદાવાદના બીજા વચનામૃતમાં કહ્યું છે. માટે આત્મસત્તારૂપે થઈને લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ, માન, ક્રોધ, ઈર્ષા, કપટ, હિંસા, મત્સર ઇત્યાદિક જે અધર્મ સર્ગ તેને કાઢીને ને ધર્મ સર્ગના જે જ્ઞાન, વૈરાગ્ય શમ, દમાદિક સદ્ગુણ તેને જીવને વિશે પ્રવેશ કરાવવા ને વારંવાર તપાસ કર્યા કરવો જે મારે વિષે સાધુતાના ગુણ કેટલા આવ્યા છે ને કેટલા નથી આવ્યા ને શ્રીજીનો કેટલો વિશ્વાસ છે ને નૈષ્ઠિક ને અહિંસા ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તથા શ્રીજીનું માહાત્મ્યે સહિત જ્ઞાન ને સત્પુરુષનો મહિમા કેટલો આવ્યો છે ને કેટલો નથી આવ્યો એમ તપાસ કરીને પાકો પાયો કરવો કહેતાં અસુરભાવને અંતરમાંથી કાઢીને જીવને વિષે સત્સંગનો વેગ લગાડી દેવો એમ નિરંતર વિચાર કર્યા કરવો ને એમાં વૈરાગ્ય પામવો નહિ ને એવી રીતે તપાસ કર્યા કરવો ને એમ તપાસીને જો ન વર્તે ને પોતાના મનગમતી ભક્તિને વિષે પ્રવર્તે તો તેને કોઈક કારસો આવે તો સત્સંગને વિષે એનો પગ ટકે નહિ ને એમ કહે જે મારા ઉપર આણે કારસો કર્યો પણ પોતાની ભૂલ તો જુવે જ નહિ.।।૨૭૯।।
ટિપ્પણી
શમ-દમાદિક સદ્ગુણઃ શમ (શાંતિ, ક્ષમા, અંતઃકરણને નિયમમાં રાખવું), દમ (ઇંદ્રિયોને વશ રાખવી, સંયમ), વગેરે સદ્ગુણ.