વાત : ૮૧

બ્રહ્મપુરાદિક ધામના મુક્ત શ્રીજીમહારાજ ભેળા પૃથ્વી ઉપર આવ્યા હોય તે કેમ ઓળખ્યામાં આવે ? ઉત્તર જે, બ્રહ્મપુરના જે મુક્ત હોય ને તેમ જ વર્તતા હોય ને વાર્તા પણ તેમ જ કરે ને જે વૈકુંઠના મુક્ત હોય તેને ધર્મ પ્રધાનપણે વર્તતો હોય ને બીજું ગૌણ હોય ને જે ગોલોકના મુક્ત હોય તેને તો ભક્તિ પ્રધાન હોય ને બીજાં ગૌણ હોય ને જે શ્વેતદ્વીપના મુક્ત હોય તે તો આત્મસત્તારૂપે વર્તતા થકા શ્રીજીનું ધ્યાન કરીને કારણ શરીરના ભાવને ટાળતા હોય ને જે બદ્રિકાશ્રમના મુક્ત હોય તે તો સ્થૂલ ને સૂક્ષ્મ એ બેય દેહના ભાવને ટાળતા થકા પ્રધાનપણે ત્યાગને વિષે વર્તતા હોય ને જે સ્વર્ગલોકના હોય તેને કીર્તિ પ્રધાનપણે વર્તતી હોય ને જે આધુનિક હોય તેને વિષયની આસક્તિ પ્રધાનપણે વર્તતી હોય.।।૮૧।।