વાત : ૪૦૩
દસ વીસ મનુષ્યે મળીને જેમ ગાયનો વાઘ કર્યો એ દૃષ્ટાંતે કરીને સ્વભાવના સત્યપણાની વાત કરી જે અતિ નિર્બળ ને કાયર ને ઈશ્વરના બળ તથા પરાક્રમને ન જાણતા એવા તે અજ્ઞાની મનુષ્ય તેમણે સ્વભાવનું બળ વખાણ્યું છે ને જે શ્રીજીમહારાજના એકાંતિક ભક્ત છે તેની આગળ તો સ્વભાવ અતિ તુચ્છ ને રાંક છે. તે ઉપર રાજા પરીક્ષિતના દૃષ્ટાંતે કરીને કહ્યું જે જેમ રાજા પરીક્ષિતની આગળ કરી જે તે અતિ તુચ્છ ને રાંક છે તે ભાગવતમાં કહ્યું છે જે,
किं नु बालेषु शूरेण कलिना धीरभीरूणा ।
अप्रमत्तः प्रमत्तेषु यो वृको नृषु वर्तते।।
(અર્થ :- અધીર અને ગાફેલ પુરુષોના ઉપર શૂરવીર થઈને નાહારની પેઠે વર્તતા, છતાં ધીર પુરુષોથી ભય પામનારા કળિયુગથી શું થવાનું છે ? -ભા. સ્કં. ૧. અ. ૧૮-૮)।।૪૦૩।।
ટિપ્પણી
ગાયનો વાઘ કર્યો એ દૃષ્ટાંતઃ એક બ્રાહ્મણને ગાય દાનમાં મળી. દસવીસ ઠગ લોકોએ જુદી જુદી જગ્યાએ ઊભા રહી ‘‘આ વાઘ ક્યાં લઈ જાવ છો, તમને ફાડી ખાશે,’’ વગેરે વારે વારે કહ્યું. તેથી બ્રાહ્મણને ભ્રમ થયો ને તે ગાયને વાઘ માનીને છોડીને ભાગી ગયો. દેહ-ગેહાદિક મિથ્યા છે તેનું વારંવાર શ્રવણ કરે તો તે મિથ્યા થાય.