વાત : ૪૨૨
શ્રીહરિજીના ધ્યાન કરતાં પણ જ્ઞાન તે અધિક છે. તે જ્ઞાન તે શું જે ભગવાન જેમ છે તેમ યથાર્થ જાણવા, અને ભગવાનને અર્થે જે જે કરવાનું છે તેને જાણવું. તથા જીવ, ઈશ્વર, પ્રકૃતિ-પુરુષ, અક્ષર એમના સ્વરૂપને અને ધર્મ, વૈરાગ્યના સ્વરૂપને જાણવું. તથા ભગવાનના ભક્ત જેવા જેવા હોય જે આને તો સર્વથી ભગવાન જ અધિકપણે છે અને જે ભગવાનના ગમતા પ્રમાણે જ વર્તતો હોય તથા વર્તવાનું હોય અને પોતાનું ગમતું કરવાનો સ્વભાવ ન હોય અને તે હોય તો તેને ટાળવાનો આગ્રહ હોય અને જેને ભગવાનમાં પણ પ્રીતિ હોય અને કાંઈક પોતાનું મનગમતું કરવાનું પણ હોય એવો હોય તેને પણ જાણવો, ઇત્યાદિક જ્ઞાન કહેવાય. એવું જ્ઞાન હોય તો એમાં સહેજે ભગવાનનું ધ્યાન થાશે. માટે તે સર્વ વાર્તાને જાણવી. અને તે જ વાર્તા મુખે કરીને કહેવી તે તો જેટલી યોગ્ય હોય તેટલી કહેવી અથવા ન કહેવી તેમાં પણ દેશકાળનો અનુસાર જાણવો અને જો એ સર્વ વાત ન જાણે તો ભગવાનનો શ્રેષ્ઠ ભક્ત હોય તેને મધ્યમ અને કનિષ્ઠ જેવો જાણે અને એ ભક્ત વૃદ્ધિને ન પામે. કેમ જે એ ઓળખે નહિ માટે જેવા તેવાનો સંગ કરે પણ શ્રેષ્ઠનો સંગ ન કરે અને પોતે સારો હોય પણ તે ઊતરતાને સંગે ઊતરતો થઈ જાય છે. અને ઊતરતાને હેતે કરીને તેનો પક્ષ લઈને મોટાનો અભાવ લે અને તેની મહોબ્બતમાં દબાઈ રહે એવી રીતે જાણવા ન જાણવામાં ગુણ અને દોષ છે.।।૪૨૨।।