વાત : ૧૭૭

સ્વામીએ વાત કરી જે દત્તાત્રેય કહે છે હે સાધ્ય દેવો ! મારા ગુરુ થકી આ કરવા યોગ્ય સાંભળ્યું છે તે શું ? તો ધૃતિ જે નાના પ્રકારના દુઃખે કરીને પણ વિકલ(વિહ્વળ-વ્યાકુળ) ન થાવું દમ જે સર્વે ઇંદ્રિયોને જીતવી. ને સત્ય ધર્મની અનુવૃત્તિ(અનુસરણ) રાખવી. ને હૃદયની જે અહંમમતાદિક સર્વે ગ્રંથિઓ તેને ટાળીને પ્રિય, અપ્રિય જે સુખ દુઃખ તેને આત્મસમતાને(સરખાપણું) પમાડે કહેતાં પોતાને અને બીજાને સમાનપણે સુખ-દુઃખને જુવે એટલું જ કરવા યોગ્ય છે એમ ગુરુ થકી મેં સાંભળ્યું છે.

વળી પોતાને કોઈક કઠણ વચને કરીને તિરસ્કાર કરે તો તેને સામો એવો તિરસ્કાર ન કરે ને તેનું સહન કરે કેમ જે સહન કરનારાનો જે ક્રોધ છે તે જ તે તિરસ્કારના કરનારાને બાળી નાંખે છે ને તેનું જે સુકૃત છે તેને સહન કરનારો જે પુરુષ તે પામે છે.

હે દેવો ! જે પુરુષ પોતાના કલ્યાણને ઇચ્છે તે પુરુષ જે તે બીજા કોઈને કઠણ વચને કરીને તિરસ્કાર કરે એવો ન થાય તથા બીજા કોઈનું અપમાન કરે એવો ન થાય તથા પોતાના મિત્રનો દ્રોહી ન થાય તથા નીચ પુરુષની સેવાનો કરનારો ન થાય તથા અભિમાનવાળો ન થાય, હીન આચરણવાળો ન થાય તથા ક્રોધે યુક્ત વાણી ન બોલે અને ક્રોધે યુક્ત એવી જે રુખિ(કઠોર) વાણી તે જે તે આ લોકને વિષે પુરુષના મર્મસ્થળનાં જે હાડકાં તથા હૃદય અને પ્રાણ એ સર્વને બાળી નાખે છે તે કારણપણા માટે ધર્મવાળો પુરુષ જે તે બીજાને બાળે એવી જે રુખિ વાણી તેને નિત્ય વરજે.

પારકા મર્મસ્થળનો પીડનારો અને રુખિ છે વાણી જેની એવો અને રુખિ વાણીરૂપી કાંટે કરીને મનુષ્યને પીડનારો પુરુષ અત્યંત શોભાએ રહિત જાણવો અને જનનો જે મૃત્યુ તેને મુખને વિષે બાંધીને વહેનારો છે એવો એને જાણવો કહેતાં કઠણ વચનરૂપ જે જનનું મૃત્યુ તેને મુખને વિષે તૈયાર લઈને ફરે છે.

અતિશય તીખાં અને અગ્નિ ને સૂર્ય સરખાં પ્રદિપ્ત એવાં જે વાણીરૂપ બાણ તેણે કરીને જો બીજો એને અતિશય વીંધે ને તે બાણે કરીને વીંધાણો છે તો પણ અતિશય વિવેકે યુક્ત એવો જે એ જ્ઞાની પુરુષ તે જે તે એમ જાણે જે આ તો મારાં સુકૃતિને પોષણ કરે છે એમ સમજીને ક્ષમા કરે છે.।।૧૭૭।।



ટિપ્પણી

ગ્રંથિઓઃ ગાંઠ. ગ્રંથિઓ છ છેઃ મિથુન, હૃદય, કર્મ, અહમ્‌, મમતા, ભય. પોતે પુરુષ છે કે સ્ત્રી છે તે ભેદભાવ ભુલાઈ જાય તે મિથુન ગ્રંથિ ભેદાઈ કહેવાય. જીવાત્મા સામાન્ય રીતે હૃદયાકાશમાં રહે છે તે દેહમાં ગમે ત્યાં રહી-પ્રકાશી શકે તે હૃદયગ્રંથિ ભેદાઈ કહેવાય. કર્મનું કર્તાપણું મટી જાય, ને જેમ સીંદરી બળી જાય તો તેનો આકાર રહે પણ બાંધવાના કામમાં આવે નહિ તેમ કર્મગ્રંથિ ભેદાય ત્યારે થાય. હું ને મારું જિતાઈ જાય તે અહંમમતા ગ્રંથિઓ ભેદાઈ કહેવાય. ભય રહે નહિ, અભય થાય તે ભયગ્રંથિ ભેદાઈ કહેવાય.

વરજેઃ ત્યજે.