વાત : ૨૬૩

શ્રીહરિજીને પુરુષોત્તમ સમજીએ છીએ તેનો ઠરાવ કરવો ને સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત ભક્તિ તેનો પણ ઠરાવ કરવો ને સત્પુરુષને ગુરુ જેવા માનવા તેનો પણ નિર્ધાર કરવો કેમ જે નિર્ધાર કર્યા વિના દેશકાળાદિકે કરીને એક સ્થિતિ રહેતી નથી ને શ્રીજીમહારાજના ભક્તની સેવા, ચાકરી, નમસ્કાર ને પૂજાદિક જે જે કરવું તેનો પણ ઠરાવ કરવો ને એમ કર્યા વિના તો શ્રીહરિજીને અર્થે યજ્ઞાદિક કરતા હોઈએ તે બીજા દેવને અર્થે ને મુક્તને અર્થે પણ થઈ જાય. તે સારુ દૃઢ ઠરાવ કરવો ને આ વાર્તાનો તલતુંબડીની પેઠે શ્રદ્ધા સોતા અતિશય શ્રવણ મનનાદિક કર્યા કરે તો સાક્ષાત્કાર થાય.।।૨૬૩।।



ટિપ્પણી

તલતુંબડીનું દૃષ્ટાંતઃ સંસ્કૃત ભાષાના અભ્યાસ કરનારાને ઘણું ગોખવાનું હોય. તુંબડીમાં તલ ભરીને ગોખવાનું શરૂ કરે. એક વાક્ય એક વાર બોલે ને એક તલ બહાર કાઢે, તેમ કરતાં કરતાં જ્યારે આખી તુંબડી ખાલી થઈ જાય ત્યારે ગોખવાનું બંધ કરે. એ રીતે, ભગવાનનું શ્રવણ-મનન કરવું તો એ પુરુષાર્થ જોઈને ભગવાનની કૃપા ઊતરે ને સાક્ષાત્કાર થાય.દ્બવાત ૨૬૬: ઓથઃ આશરો, બહાનું.