વાત : ૩૩૩
ચાર અંતઃકરણ જીતવાના ઉપાય કહીએ છીએ :-
(૧) બુદ્ધિને એમ જીતવી જે બુદ્ધિને વિષે માયિક પદાર્થ માત્રના આકારના નિશ્ચય થાય છે તે સર્વે પદાર્થને વિષે ચાર પ્રકારના પ્રલયે કરીને નાશવંતપણાનો નિશ્ચય થાય અને પોતાનો આત્મા તથા ભગવાન અને ભગવાનનું ધામ અને તે ધામના મુક્ત એમના અવિનાશીપણાનો નિશ્ચય થાય એવી રીતે જ્યારે બુદ્ધિમાં એ બે પ્રકારના નિશ્ચયની દૃઢતા થાય ત્યારે બુદ્ધિ જીતાઈ જાણવી.
(૨) જે મન છે તે માયિક પદાર્થના સંકલ્પને કરે એવો મનનો સ્વભાવ છે તે મનને તે પદાર્થના સંકલ્પો ન કરવા દેવા અને તે સંકલ્પથી પાછું વાળીને અને તે સંકલ્પને મૂકી દઈને ભગવાનની મૂર્તિના સંકલ્પ કરવા તથા ભગવાનનાં લીલાં ચરિત્રના સંકલ્પ કરવા એવી રીતે મન જિતાય.
(૩) જે ચિત્તને વિષે માયિક પદાર્થના આકાર તે ચિંતવને કરીને સ્ફુરી આવે છે તે ચિત્તનો આત્માકારપણે કરીને ઉપશમ થાય ત્યારે તે આકારની વિસ્મૃતિ થાય અને તે પછી એક ભગવાનના આકારનું ચિંતવન કરવું એવી રીતે ચિત્ત જિતાય.
(૪) અહંકાર છે તે વર્ણ, આશ્રમ, જાતિ, કુળ, રૂપ, ગુણ તેને વિષે અહંપણું ધરે છે અને પોતાને તેવા આકારે માને છે તે અહંપણાને મૂકીને આત્માને વિષે અહંપણું માનવું જે હું તો જાણપણે યુક્ત એવો જે આત્મા તે છું પણ વર્ણશ્રમાદિક ધર્મવાળો જે તે હું નહિ. એવો નિરંતર અભ્યાસ કરવો ત્યારે અહંકાર જિતાય.।।૩૩૩।।