વાત : ૧૦૮
અને સ્વામીએ કૃપા કરીને વાત કરી જે ભગવાન પૃથ્વી ઉપર બિરાજતા હોય ત્યારે જો કોઈકને કાંઈક વર્તમાનમાં ફેર રહ્યો, પડ્યો હોય ને જો દીન થઈને સ્તુતિ કરીને ભગવાનને કહે તો તત્કાળ ભગવાન રાજી થાય ને તે જેમ કહે તેમ કરે તો અતિ શુદ્ધ થાય. ને ભગવાન અંતર્ધ્યાન થયા પછી શાસ્ત્ર પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરે તો યે પૂર્વે કહ્યો તેવો શુદ્ધ ન થાય. તથા ભગવાન પ્રગટ બિરાજતા હોય ત્યારે તો સૂઝે તેવો પાપી હોય ને તે જો ભગવાનને ભાવે તથા અભાવે કાંઈ આલે તે દયા કરીને પોતે ગ્રહણ કરે. તથા ભગવાન લગારેક કોઈકને કામ બતાવે ને તે જો કરે તો તેટલામાં પોતે રાજી થાય તથા જે જે સેવા કરે તે અંગીકાર કરે તથા કોઈ અન્ન જળ આપે તથા વસ્ત્ર ઘરેણાં આપે તથા સજ્યા બિછાવી દિયે ઇત્યાદિક જે જે સેવા કરે તેને અંગીકાર કરે. અને જ્યારે ભગવાન અંતર્ધ્યાન થયા હોય ત્યારે તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિએ સહિત જે ભક્ત હોય ને તે જો માનસી પૂજાએ કરીને અર્પણ કરે તો તેને ગ્રહણ કરે. વાસ્તે જો ભગવાન તથા એકાંતિક સંત તે અતિ માંદા હોય તેને એમ જાણે જે આ હવે તો બહુ દુઃખ પામે છે, માટે સ્વધામમાં જાય તો ઠીક છે, એવો જો મનમાં અતિ અલ્પ પણ સંકલ્પ થાય તો તેને બહુ પાપ લાગે છે. વાસ્તે આ વાતને અતિ દૃઢપણે કરીને જાણવાની છે.।।૧૦૮।।