વાત : ૨૭૭
ત્યાગી તથા ગૃહસ્થ એ સર્વે સત્સંગ કરે છે તે ઉપરછલ્લો કરે છે પણ જીવને વિશે પ્રવેશ કરાવતાં આવડતો નથી ને સત્પુરુષ પાસેથી એવી યુક્તિ પણ શીખતા નથી. ત્યારે કહેશો જે સત્સંગ ઉપરછલ્લો કેમ જાણવો ? તો ત્યાં કહીએ છીએ જે બાહેર દૃષ્ટિએ કરીને શ્રીજીમહારાજની નવધા ભક્તિ કરે છે પણ પોતાની હાણ-વૃદ્ધિનો તપાસ અંતરમાં કરતા નથી એને ઉપરછલ્લો સત્સંગ જાણવો. તેની વિગત જે કોઈકને તો પ્રાકૃત ગ્રંથ તથા સંસ્કૃત ગ્રંથ ભણવાને વિષે તથા એ ગ્રંથને લખવાને વિષે લગ્ની છે ને કોઈકને તો ગાન વિદ્યાદિકને વિષે લગ્ની છે, ને કોઈક ગૃહસ્થને કથા, વાર્તા, કીર્તન સાંભળવાને વિષે લગ્ની છે ને કોઈકને તો ગૃહસ્થ હરિભક્ત સાથે ભાઈબંધાઈ રૂપ સુવાણને વિષે લગ્ની છે તથા કોઈકને ધર્મશાળા, ફૂલવાડી, કૂવા, વાવ્ય, તીર્થ કરાવ્યાને વિષે લગ્ની છે એ સર્વે ભક્તિ તો ખરી, પણ પોતાના મન ગમતી ઉપરછલ્લી કહેવાય છે કહેતાં દેહરૂપ થઈને અહંમમત્વ સહિત કરાય છે. માટે એવી ભક્તિને વિષે પણ મોટાની આજ્ઞાએ કરીને જેમ ઘટે તેમ વર્તવું.।।૨૭૭।।
ટિપ્પણી
હાણ-વૃદ્ધિઃ નુકસાન-ફાયદો.