વાત : ૬૯

હવે એ પુરુષોત્તમને મળેલા જે ભક્ત જેને ભજ્યાની રીત કહીએ છીએ જે એક ભક્ત ભગવાનને ભજે પણ ઐશ્વર્યને પામવાની ઇચ્છા હોય. અને બીજાને એમ જે પ્રથમ આત્માને જોઈએ, અને તે પછી આત્માને વિષે ભગવાનની મૂર્તિ જોવાની ઇચ્છા હોય અને ત્રીજાને એમ વર્તે જે ભગવાનની મૂર્તિને વિષે હેત કરવું, તથા ધ્યાન કરવું તથા સ્પર્શ કરવો તેને વિષે ત્વરા વર્તે. અને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં કરતાં આત્મા દેખાય તો ભલે પણ કેવળ આત્માને જોવાને ન ઇચ્છે. તેમાં જેને ઐશ્વર્યની ઇચ્છા હોય તે તો મહાપુરુષાદિકના ઐશ્વર્યમાં જોડાઈ જાય. અને જેને આત્માને જોવાની ઇચ્છા હોય તેને તો અક્ષર લીન કરી નાખે અને ભગવન્નિષ્ઠ તો અક્ષરનો લીન કર્યો પણ લીન થાય નહિ, તે તો ભગવાનની સેવામાં રહે છે. તેમાં કોઈક ભક્ત તો ઢોલિયો તથા તળાઈ તથા તકિયો, ચમર, ઝારી, વીંઝણો, ચાખડિયું તથા ઘોડો તથા પલાણ તથા છત્ર તે તે પદાર્થરૂપે પણ મુક્ત થાય છે. અને ભગવાન જ્યારે ચાલે છે ત્યારે મુક્ત તે આગળથી રસ્તાને બે કોરે વૃક્ષ થઈને પુષ્પ તથા ફળે સહિત ભગવાન ઉપર છાયા કરે છે. અને ભગવાન જ્યારે આગળ ચાલ્યા જાય ત્યારે પાછળથી ઊઠીને આગળ છાયા કરે છે. અને ત્યાં તપાદિક તો નથી પણ તે ભગવાનની જેવે જેવે રૂપે કરીને પોતાને સેવા થાય અને પ્રસન્નતા થાય તેવે તેવે રૂપે મુક્ત થઈને સેવે છે.।।૬૯।।