વાત : ૫૪૬

ધર્મ, વૈરાગ્ય, ભક્તિ ને વિચાર એમાં શ્રેષ્ઠ તે ક્યો હશે ? ત્યારે સર્વે સંતે વિચારને શ્રેષ્ઠ કહ્યો. ત્યારે મોટા સંતે કહ્યું જે અમને પણ એ જ જણાય છે તે જુઓને પરમેશ્વરની મોટપ જે એમને ભજી ભજીને તો શુક-નારદાદિક પણ ભગવાન કહેવાય છે એવા એ ભગવાન અનેક સામર્થીએ યુક્ત છે ને પૂર્ણકામ છે ને એમને કોઈ પદાર્થ માત્ર જોઈતું નથી એ તો કેવળ દયાએ કરીને જીવનાં કલ્યાણને અર્થે મનુષ્યભાવને ગ્રહણ કરે છે ને શ્રીજીમહારાજે ઉત્તમ મુમુક્ષુની શિક્ષાને અર્થે તથા સર્વે આવિર્ભાવની શિક્ષાને અર્થે પ્રથમ વનમાં રહીને અષ્ટાંગ યોગ સાધ્યો ને શરીરમાં રુધિર તો રહેવા દીધું જ નહિ ને અન્ન તો જમતા જ નહિ ને વાયુ ભક્ષણ કરીને રહેતા ને સ્ત્રીનો તો ગંધ જ ગમતો નહિ. એવી રીતે અતિ ત્યાગી એવા જે શ્રીજીમહારાજ તે જે તે આપણા કલ્યાણને અર્થે જમવા મંડ્યા ને વસ્ત્ર પણ પહેરવા ઓઢવા માંડ્યાં. પણ આપણા સર્વેથી જેમ ઘટે તેમ યથાર્થ સેવા થઈ નહિ. કેમ જે કોઈ સત્સંગીએ છ મહિના કે પાંચ વર્ષ પર્યંત રોજ રોજ થાળ કરીને કે કરાવીને શ્રીજીમહારાજને અતિશય પ્રીતિએ કરીને જમાડી શક્યા નહિ ને વસ્ત્રાભૂષણ પણ વર્ષો વર્ષ ભાવે સોતા અર્પણ કરી શક્યા નહિ એવી રીતે મહિમા સમજવામાં ઘણી કસર રહી જાય છે.।।૫૪૬।।