વાત : ૮૩
એક દિવસ મોટા સંતે સાંજને સમે પોતાની જાણે દયા કરીને એમ વાર્તા કરી જે ભક્તિએ કરીને જીવનું કલ્યાણ થાય છે પણ ત્રણ અંગ વિના યથાર્થ હરિભક્ત થાતો નથી તે અંગ કયાં તો દાસપણું, પ્રીતિ ને આત્મનિષ્ઠા. એની વાર્તા વિસ્તારીને કરી. ને એ ત્રણ ગુણ જેને પરિપૂર્ણ હોય તે એકાંતિક ભક્ત કહેવાય છે અને એ ભક્તને ને શ્રીહરિજીને લેશ માત્ર અંતરાય રહેતો નથી ને અતિશય હેતે કરીને એક જેવું થઈ જાય છે તેથી એ ભક્તને શ્રીજીની મરજી પણ જાણ્યામાં આવે છે તે માટે તેમની મરજી પ્રમાણે જ વર્તે છે ને કોઈક વાત ન જણાય તો તેને શ્રીજીમહારાજ પોતે જણાવી દે છે. જેમ બે મિત્ર હોય તેમને કોઈ પ્રકારનો અંતરાય રહેતો નથી ને એક જેવા થઈ જાય છે. તેમ પરમેશ્વરને ને એકાંતિક ભક્તને પણ એક જેવું થઈ જાય છે ને તે પૂર્ણ ભક્ત કહેવાય છે.।।૮૩।।