વાત : ૪૧૯

મુક્ત, મુમુક્ષુ, વિષયી અને પામર તેનાં લક્ષણને જાણવા.

(૧) પામરનું લક્ષણ તો એ છે જે પામર તે વિષયને મૂઢપણે ભોગવે તથા સાર, અસારને ન જાણે તથા પાપ, પુણ્યને ન જાણે તથા સત્ય, અસત્ય તથા ધર્મ, અધર્મ તથા ન્યા, અન્યાયને ન જાણે. તથા આમ કરીશ તો સારું થાશે અને આમ કરીશ તો મારું ભૂંડું થાશે ઇત્યાદિક કોઈ જાતનો વિવેક ન હોય અને કેવળ વિષયને ભોગવ્યાને વિષે જ આસક્ત હોય એવી રીતનાં લક્ષણ જેને વિષે જણાય ત્યારે જાણવું જે આ પામર છે ને મૂઢ છે.

(૨) વિષયીને એમ જાણવો જે શાસ્ત્રમાં જેવી રીતે વિષયને ભોગવવાનું કહ્યું છે તેવી રીતે લોકમાં વિહિત એવા પંચ વિષયને ભોગવે અને વળી એમ જાણે જે આમ શાસ્ત્ર પ્રમાણે વર્તશું તો પરલોકમાં સ્ત્રી આદિક પંચ વિષયને પામશું એવી રીતનાં લક્ષણ જણાય ત્યારે એમ જાણવું જે આ વિષયી છે.

(૩) મુમુક્ષુને એમ વર્તે જે ધર્મ પાળવો તથા જ્ઞાન શીખવું તથા વૈરાગ્ય શીખીને સંસાર થકી મુકાય અને પોતાના આત્માને તથા ભગવાનને પામવાની મનને વિષે ત્વરા તથા આત્માને પામ્યાનાં સાધન કહ્યાં હોય તેને શીખે તથા ભગવાનને પામ્યાનાં જે સાધન છે તેને શીખીને પછી તે ભગવાનને પામીને પછી ભગવાનને રાજી કરવાની મનમાં તીવ્ર શ્રદ્ધા વર્ત્યા કરે તથા ભગવાનની એકાંતિક માહાત્માયે સહિત જે ભક્તિ તેને કર્યાનાં જે સાધન તેને શીખ્યાની તથા તે ભક્તિ પોતાને કર્યાની મનમાં તીવ્ર શ્રદ્ધા વર્ત્યા કરે; આવી રીતે વર્તે તેને એમ જાણીએ જે આ મુમુક્ષુ છે.

(૪) અને મુક્ત એમ જાણવા જે પુરુષ પંચ વિષયને તથા દેહ-ઇંદ્રિયાદિકને તથા ત્રણ ગુણ તથા ત્રણ અવસ્થા, ત્રણ દેહ એ સર્વેની ક્રિયાને પોતે દબાવીને વર્તે પણ એ એકેને વિષે દબાય નહિ. અને એ એકેના પેચમાં ન આવે અને એ સર્વેને દબાવીને અતિ વિરક્તપણે વર્તે અને કોઈ દેહનો કુસંગ તથા સત્સંગનો કુસંગ તથા બહારનો કુસંગ એ સર્વેને દબાવીને પંડ વર્તે પણ તેને કોઈ દબાવી શકે નહિ તથા કોઈની મહોબતમાં લેવાય નહિ તથા કોઈના પેચમાં આવે નહિ. એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે આ મુક્ત છે.।।૪૧૯।।



ટિપ્પણી

વિહિતઃ શાસ્ત્રે ફરમાવેલું, માન્ય કરેલું.

પેચમાં ન આવવુંઃ જાળમાં ન ફસાવું, યુક્તિ-પ્રપંચમાં ન આવવું.