૧૦૦ - શ્રીજીમહારાજનો પ્રતાપ!
આ મુક્તરાજ પાડોશમાં એક હરિભક્ત બાઈ રહેતી હતી તે એક દિવસ કોઈના ખેતરમાં સાંઠિયું સુડવા મૂલે (કામે) ગયેલ. ત્યાંથી સાંજે ઘેર આવી ને પડી ગઈ ને શરીર મુડદા જેવું થઈ ગયું, તે શુદ્ધ કે સાન નહિ. આંખો સ્થિર થઈ ગઈ ને શરીર ટાઢું પડવા માંડ્યું. સૌએ જાણ્યું જે, આ ઘડીએ આનો દેહ પડી જશે. ત્યાં તો તેણે ક્રોધમાં આવી આંખો કાઢી હોઠ ભીંસવા માંડ્યા. પછી થોડી વારે વળી આંખો મીંચી ને હસવા માંડ્યું; ને કોઈ બોલવે તો બોલે નહિ. એમ કરતાં થોડી વાર પછી તો મનમાં આવે તેમ બોલે, હાથપગ પછાડે, ઊઠી ઊઠીને ભાગે, એવું તોફાન શરૂ કર્યું, તેથી ઘરમાં સૌ મૂંઝાણા, એટલે ભાઈશ્રીને બોલાવવા માણસ મોકલ્યું; ત્યાં તો પોતે વાડીએથી આવતા જ હતા તે ઘેર આવ્યા ને ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ કહી પાણી છાંટ્યું, થોડુંક પાણી મહારાજને અંતર્વૃત્તિએ જમાડી તેને પાયું કે તરત જ ઉત્પાત બંધ થઈ ગયો ને આંખો ઉઘાડી ‘જય સ્વામિનારાયણ’ કર્યા. પોતે શુદ્ધિમાં આવી ગયાં હોવાથી કહ્યું, ‘ભાઈ! આજ દયા કરી અમારે આંગણે આવ્યા?’ ત્યારે ભાઈશ્રી કહે, ‘તમને શું થયું હતું?’ ત્યારે તે કહે, ‘મને કાંઈ ખબર પડી નહિ.’ પછી તેમનાં સગાંવહાલાંને ભાઈશ્રીએ કહ્યું જે, ‘જોયો શ્રીજીમહારાજનો પ્રતાપ! આવાં કામ મહારાજ કરે છે, પણ જીવને ખબર પડતી નથી. એટલે ઘડી ઘડી તેમને ભૂલી જાય છે.’ એ વખતે કોઈએ એમ કહ્યું કે, ‘એ ખેતરમાં જરૂર ઝાંખું પટ (મેલી જગ્યા) હશે! નહિ તો ઘડીકમાં આવું ન થઈ જાય.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘આપણા ભેગા સ્વામિનારાયણ હોય તો તો ક્યાંય ઝાંખું પટ ન મળે, પણ જો એ ન હોય તો વાંધો ખરો. કેમ કે ભગવાનના આશ્રય વિના જીવ-પ્રાણીમાત્રને માયાના ઉદરમાં રહેવાનું છે, તેમાં કયું સારું પટ ને કયું ઝાંખું પટ? આપણા પર તો શ્રીજીમહારાજે દયા કરી કાળ, કર્મ ને માયાનો હુકમ ઉઠાડી મૂક્યો છે ને દિવ્ય ચૈતન્યમય કરી પોતાની મૂર્તિ આપી છે, તેથી ન્યાલ થયા છીએ. હવે તેમનું કોઈ નાનુંમોટું વચન લોપવું નહિ, એટલો ખટકો આપણે રાખવો જોઈએ.’ એમ કહી ઘેર પધાર્યા. પછી રાત્રે સભામાં હરિભક્તોને આ બાઈ સંબંધી વાત કરી ને કહ્યું જે, ‘મહારાજની આજ્ઞામાં સૌ ખબડદાર રહેજો ને દેહરૂપી ઝાંખા પટમાં ક્યારેય ન ચલાય તેવો ખટકો રાખજો.’ આ રીતે સહજ પ્રસંગમાં પણ મૂર્તિ રાખવાની તથા આજ્ઞા પાળવાની ભલામણ કરતા હોવાથી હરિભક્તોને દિવસે દિવસે મહિમા વૃદ્ધિ પામતાં સત્સંગનો રંગ ચડતો જતો હતો.