૩૯૬ - નારાયણપુરમાં નવીન પ્રકાર

0:000:00

હવે પોતાને ઊંડો સંકલ્પ મંદવાડ ગ્રહણ કરવાનો હતો, એ વાતને બીજું કોણ જાણી શકે? સંત-હરિભક્તોને રજા તો આપી પણ પોતાને તે દિવસ કાંઈ સારું ન લાગતાં, બપોરે ઠાકોરજી જાગવાના સમયે નારાયણપુર પહોંચ્યા ને ધનજીભાઈને ઘેર જઈ તેમની સાથે પોતે મંદિરમાં આવી ઠાકોરજીનાં દર્શન કર્યા પછી સંતોને દંડવત્ કરવા મંડ્યા. તે જોઈ સંતોએ ઉતાવળા ઉતાવળા ઊભા કરી લીધા ને સામા દંડવત્ કરી મળ્યા એ વખતે બાપાશ્રીનું શરીર બહુ ઊનું જણાતું હતું, પણ બોલવા ચાલવામાં કાંઈ ફેર ન જણાતાં સંતોએ જાણ્યું જે, ‘બહુ તાપમાં આવ્યા છે, તેથી શરીર ઉનું જણાતું હશે.’ એમ જાણી એ વાત કોઈએ એકબીજામાં પણ કરી નહિ. પછી હરિભક્તોએ આસન તૈયાર કર્યું એટલે બાપાશ્રી સંતોની સન્મુખ બેઠા. સંતો પરસ્પર સામું જુએ, પણ બાપાશ્રી કાંઈક વાતો કરે તો ઠીક એમ જાણી કોઈ બોલે નહિ. તેથી બાપાશ્રીએ વાત કરવા માંડી જે, ‘સંતો! જેમ રાજાની રાણીઓ ઓઝલ પડદે રહે છે તેમ તમે સંત બધાય એવા ઓઝલવાળા કહેવાઓ. ઓઝલવાળા કોઈનું મોઢું જુએ નહિ ને પોતાનું મોઢું કોઈને બતાવે નહિ. તેમ જેટલા શ્રીજીમહારાજના મુક્ત થયા તેણે પોતાનું રૂપ બીજાને દેખાડવું નહિ. તે કેવી રીતે? તો મૂર્તિ ભૂલીને જો અવરભાવમાં જવાય, તો બીજાના જોવામાં આવી જાય અને પોતાથી પણ બીજાનું રૂપ જોઈ જવાય માટે એ વાતનો ખટકો રાખવો.’

જેમ ચિંતામણિ મનોરથ સિદ્ધ કરે છે તેમ શ્રીજીમહારાજ ને મહામુક્તો આશ્રિતજનના મનોરથ સિદ્ધ કરે છે.

આ તો દિવ્ય સભા છે, તે મહારાજની મૂર્તિમાંથી સુખ ભોગવે છે; પણ જેને બહિર્વૃતિ છે, તેને તો લાખો ગાઉનું છેટું છે. જેને મોટા પુરુષનો રાજીપો થયો હોય તેને તો આ સભા દિવ્ય તેજોમય ભાસે ને ઝળઝળાટ તેજમાં મહારાજ ને મુક્ત દેખાય, પણ જીવની માયિક દૃષ્ટિ છે તેથી એવો ભાવ બેસતો નથી. જેને આ સભાને વિષે દિવ્યભાવ આવે તે તો છતે દેહે જ ધામમાં છે.

આ રીતે વાત કરતા કરતા આળસ મરડવા લાગ્યા, તે જોઈ સંતોએ જાણ્યું જે, ‘આજ કાંઈ શરીરમાં ઠીક જણાતું નથી.’ આ વાત લાલુભાઈના જાણવામાં આવતાં, તેમને નાડી જોવાનો અભ્યાસ હોવાથી બાપાશ્રી પાસે આવીને જોયું તો શરીરમાં તાવ બહુ ચડેલો તેથી પોતાની આંખ્યોમાં આંસુ આવી ગયાં. ત્યારે બાપાશ્રી કહે, ‘લાલુભાઈ! અમને શરીરમાં અમથી ગરમી બહુ રહે છે, તેમાં વળી તડકામાં આવ્યા એટલે આમ શરીર ઊનું જણાય છે; બીજું કાંઈ નથી.’ એમ કહી નાહવાનો સંકલ્પ કરી ઊઠ્યા ને હરિભક્તો સાથે વાડીએ જઈ નાહ્યા, ત્યાં પણ પોતાને ઠીક જણાતું નહોતું, તેથી વળતાં ધનજીભાઈને ઘેર થોડી વાર સૂતા. એ જોઈ સહુને એમ થઈ ગયું જે, બાપાશ્રી ના પડે છે, પણ શરીરમાં કસર જેવું તો જણાય છે.’ તેથી સંતોએ પાછા વૃષપુર જવાની ઇચ્છા જણાવી. ત્યારે પોતે તેમને ઉચાટ ન થાય તેવાં હિંમતભર્યા વચનો કહેતાં બોલ્યા જે, ‘ આ ફેરે તમેા ઘણું રહ્યા છો ને મારે શરીરે કાંઈ છે નહિ; જરા માર્ગમાં તાપ લાગ્યો છે તેથી આવું જણાય છે.’ –એમ કહી પોતે વૃષપુર જવા તૈયાર થયા. એ વખતે ધનજીભાઈ કહે ‘બાપા! ઘોડીએ બેસીને જાઓ તો ઠીક; ઘોડી તૈયાર ઊભી છે.’ તોય પોતે ના પાડી ને સંતોને કહ્યું જે, ‘મને જરાય વાંધો નથી, કાંઈ ચિંતા કરશો મા, સુખેથી તમો દેશમાં જજો.’ એમ તે વખતે પણ સંત-હરિભક્તો પર ઘણી પ્રસન્નતા જણાવી, પોતે વૃષપુર પધાર્યા. હવે સંતોને મનમાં એમ થયું જે, ‘હમણાં સ્વામીશ્રી આદિ કોઈ છે નહિ, તેથી રહ્યા હોત તો ઠીક હતું. પણ આજ્ઞા થઈ એટલે શું કરવું?’ તોપણ પરસ્પર વિચાર કરી ફરતાં ગામડાંઓમાં બબે દિવસ રહી ધીરે ધીરે ભૂજ જવાનું ધાર્યું તે એટલા માટે કે, બાપાશ્રીના શરીરે કેમ રહે છે તેની ખબર પડે –આવા વિચારે તેઓ થોડા દિવસ ગામડાંમાં ફરતા ફરતા ભૂજ ગયા.