૫૮૦ - રમૂજી વચન ને વધામણીની પૂજા

0:000:00

આ પારાયણમાં ઝાલાવાડથી વાંટાવદરના મુક્તરાજ ભૂરાભાઈ આવેલા, તેમના ઉપર બાપાશ્રીનો રાજીપો બહુ, તેથી પોતે જ્યાં જાય ત્યાં એમને ભેળા જ રાખતા. ભૂજથી બ્રહ્મચારી નિર્ગુણાનંદજી આવેલા, તે તો બાપાશ્રી તથા ભૂરાભાઈને સાથે જોઈને કહે કે, ‘આ જુગલ મૂર્તિ શોભે છે બહુ! બેય સરખા ને બેય પુષ્ટ! વસ્ત્રો એવાં, ચાલેય એવી, થોડોક વાનમાં ફેર જણાય છે. એટલો તફાવત તો હોય.’ એમ કહી ફૂલના હાર પહેરાવી, બેયને રમૂજી વચનોથી પ્રાર્થના કરી રાજી કર્યા.

એક દિવસ બાપાશ્રી તેમને કહે કે, ‘બ્રહ્મચારી! આ ફેરે તમને મારે એક એકાંતે વાત કહેવી છે તે મને તમે સંભારી દેજો.’ ત્યારે બ્રહ્મચારી નિર્ગુણાનંદાજી કહે, ‘બાપા! તમારે તો સદાય એકાંત છે. પછી કહેવા કરતાં અત્યારે જ કહોને! મહારાજ કહે છે કે, આ સમયે અમારી પાસે રોકડું કલ્યાણ છે, ઉધારાની વાત નથી, તો આપ પણ રોકડી વાત કરો તો ઠીક’ -એમ કહી ‘આજનો લા’વો લીજીએ રે, કાલ કોણે દીઠી છે,’ એ ટૂંક બોલ્યા. ત્યારે બાપાશ્રી કહે, ‘તમે હવે તૈયાર રહેજો, મહારાજ તમને મોજ આપવાની તૈયારીમાં છે.’ ત્યારે તે કહે, ‘બાપા! ભારે દયા કરી, આજ મને ન્યાલ કર્યો.’ એમ કહેતાં ઠાકોરજી પાસેથી હાર લાવી બાપાશ્રીને પહેરાવી દંડવત્ કર્યા ને કહ્યું જે, ‘આપે મને વધામણી આપી તેની આ પૂજા.’ ત્યારે બાપાશ્રીએ પણ તેમના માથે હાથ મૂકી બહુ પ્રસન્નતા જણાવી. આવી રીતે સંત-હરિભક્તોને રાજી કરતાં જ્યારે પારાયણની સમાપ્તિ થઈ ત્યારે સંત-હરિભક્તોની સાથે બાપાશ્રીએ આરતી ઉતારી પુરાણી, પુસ્તક અને સંતોની ચંદન-પુષ્પથી પૂજા કરી વસ્ત્રો ઓઢાડ્યાં.

પછી રામપુર, વેકરા વચ્ચે હજારો હરિભક્તોની મોટી પંક્તિઓ જમવા બેઠી, ત્યારે બાપાશ્રી, દેવરાજભાઈ તથા ખીમજીભાઈના હાથ ઝાલીને સહુને દર્શન દેતા, સેવા કરનારા હરિભક્તોની પ્રશંસા કરતા હતા. એ વખતે કોઈ ચંદન ચર્ચે, હાર પહેરાવે, તે પૂજા અંગીકાર કરતા ઘણી વાર પંક્તિઓમાં ફર્યા પછી સૌ જમી રહ્યા ત્યારે કેટલાક હરિભક્તોને પાઘડીઓ બંધાવી. પોતે મંદિરમાં આવ્યા ત્યારે ગામડાંના હરિભક્તો બાપાશ્રી તથા સંતોનાં દર્શન કરી કરી જવા લાગ્યા. એમ મુક્તરાજ ધનબાની વરશી નિમિત્તે યજ્ઞમાં પધારી રામપુરના હરિભક્તો તથા સેવક કાનબા વગેરેને રાજી કરી બાપાશ્રી વૃષપુર આવ્યા.