૫૨૦ - સભાનો ફોટો લેતાં ચમત્કારી વાતો

0:000:00

એક દિવસ હરિભક્તોએ દિવ્ય સભાની સ્મૃતિ રહેવા માટે ફોટો લેવાની પ્રાર્થના કરી, ત્યારે પ્રથમ તો પોતે એમ બોલ્યા જે, ‘જેટલું થાય તેટલું ચૈતન્યમાં કરવું ને મહારાજ તથા તેમના મુક્ત સર્વે દિવ્ય તેજોમય છે, એવી અખંડ સ્મૃતિ રાખવી. આ લોકનું તો બધુંય ફરી જાય તેવું છે,’ -એમ કહ્યું, પણ પછી સૌએ બહુ જ પ્રાર્થના કરી ત્યારે ના ન પાડી. પછી તો હરિભક્તોએ ફોટાવાળાને બોલાવી મંદિરના ચોકમાં સભાની ગોઠવણ કરી, વચ્ચે બાપાશ્રીનું આસન રાખી કહેવા માંડ્યું જે, ‘બાપા! ચોકમાં સભા થઈ છે ત્યાં થોડી વાર પધારો ને!’ ત્યારે કહે, ‘ચાલો!’ એમ રાજીપો જણાવીને સહુની વચ્ચે જગ્યા રાખી હતી ત્યાં આવીને બેઠા. ફોટો લેવાયા બાદ આસને આવીને વાત કરી જે, ‘આપણે અવરભાવમાં રહ્યા થકા ઠરાવ તો પરભાવનો જ રાખવો. આ તો સર્વે દિવ્યસભા છે. મહારાજ કહે છે કે, આ સભા બધી તેજોમય છે, માંહીથી તેજની છટાઓ છૂટે છે, વચ્ચે મહારાજ બિરાજે છે, મુક્તો સર્વે એકનજરે એ મૂર્તિ સામું જોઈ રહ્યા છે, મૂર્તિમાં પણ મુક્તની ઠઠ્ઠ છે, તે સર્વે મૂર્તિ આકારે દિવ્યરૂપ થકા ભેળા ને ભેળા જ રહે છે, ‘રસબસ હોઈ રહી, રસિયા સંગ’ -તેમ રસબસ ભાવે મૂર્તિમાંથી સુખ લીધા જ કરે છે, એમ સદાય મૂર્તિ ભેળું રહેવું, મહારાજ વિના એકેય સંકલ્પ કે એકેય ઠરાવ રાખવો નહિ.’ આવાં વચનો કહી આસને એમ ને એમ માથે ઓઢી ઘણી વાર સૂતા; પછી જાગીને સહુને ‘જય સ્વામિનારાયણ’ કરી કહ્યું કે, ‘ તમે આમ બેઠા છો ને હું તો સૂઈ રહ્યો, અમારું આવું છે,’ -એમ રમૂજ કરી.