૧૬૫ - વાડીમાં મંદિર થયું

0:000:00

થોડા દિવસ પછી વૃષપુરમાં પણ એ રોગ જણાયો અને માણસો થોડે થોડે ગામમાંથી વાડીએ રહેવા લાગ્યા, તેથી એક દિવસ ભાઈશ્રીએ પોતાની દીકરી વાલબાઈને કહ્યું કે, ‘બાઈ, થોડી ધાનની ગૂણું ભરી રાખજો.’ ત્યારે તે દીકરી કહે, ‘બાપા! શું કામ ભરીએ?’ ત્યારે કહે, ‘આપણા ગામમાં હવે પ્લેગનો રોગ વધતો જાય છે ને ગામ ખાલી થતાં ઠાકોરજીની સેવા કોઈ ન કરે તો આપણે વાડીએ મંદિર કરવું પડે તો જોઈએ.’ એમ કહી અનાજની ગૂણું ગાડામાં ભરાવી કાકરવાડીએ લઈ ગયા ને હળવે હળવે બીજો સામાન પણ ભેળો કરી ત્યાં પહોંચાડ્યો. થોડા દિવસમાં તો પ્લેગની રાડ બહુ બોલી; તેથી ગામના માણસો સૌ ગામ બહાર નીકળી ગયા. પછી ઠાકોરજી સેવા-પૂજા એકબે દિવસ તો કરી, પણ જાણ્યું જે, ‘હવે કોઈ ગામમાં નહીં આવે’ એમ જાણી મોટા મોટા હરિભક્તો ભેળા થઈ ઠાકોરજીને વાડીએ લઈ આવવાનો ઠરાવ કર્યો, તેથી એ જ વખતે ભાઈશ્રી પોતે નારાયણપુર જઈને મોદું લઈ આવ્યા ને વાડીમાં તંબૂ-રાવટી તાણી. પછી સાંજ પડી ત્યારે છોકરાંઓને કહ્યું કે, ‘નગારાં, આરતી વગેરે લઈ આવો.’ તેથી તે જઈને લાવ્યા ને નાનામોટા હરિભક્તોએ ભેળા મળી વાડીમાં તંબૂ-રાવટીમાં મૂર્તિઓ પધરાવી ને ત્યાં જ સવાર-સાંજ આરતી, ધૂન્ય, કથાવાર્તા કરવા લાગ્યા. હરિભક્તો આવે-જાય, દર્શન કરે, પ્રસાદીઓ વહેંચાય, આવી ધામધૂમ થતી જોઈ દાક્તર તપાસ કરવા આવ્યા તે ઠાકોરજીને જોઈને રાજી થયા ને દર્શન કર્યાં. પછી ભાઈશ્રી કહે, ‘બેસો.’ ત્યારે બેઠા ને બધી હકીકત પૂછી, ત્યારે વિસ્તારીને વાત કરી; તેથી તે રાજી થયા ને કહ્યું જે, ‘તમે ઠીક કરો છો, પણ કોઈને જો આ રોગ થાય ને ખબર પડે તો અમને ચેતાવી દેજો.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘બહુ સારું. તમને ઠપકો આવવા નહિ દઈએ.’ ત્યારે તે બહુ રાજી થયો. પછી તો દોઢ મહિના સુધી એમ ને એમ ધામધૂમ થયા કરતી. કથામાં મહારાજના મહિમાની વાતો થાય ને વચનામૃત વંચાયા કરે, તેથી દસબાર હરિભક્તો જે વૃદ્ધ હતા તે તો ત્યાં જ બેસી રહેતા; એ વખતે સાત પારાયણો વંચાણી હતી. એવાં આનંદમાં કોઈને એ રોગની વાત જ ન સાંભરે. વચમાં વચમાં દાક્તર તપાસ કરવા આવે, પણ તે તો જોઈને પગે લાગે ને રાજી થાય; વળી ભાઈશ્રીને કહે, ‘તુમ અચ્છા કરતે હો. અહીં ભગવાન છે તે પ્લેગ ન આવે.’