૨૬૩ - ચરણારવિંદ પ્રતિષ્ઠા
સમાપ્તિને દિવસ ગંગાજીના કાંઠા ઉપર ચરણારવિંદ પધરાવવાનાં હોવાથી સવારમાં પારાયણની સમાપ્તિ વહેલી કરી આરતી ઉતારી, ઠાકોરજીને ભેટો મૂકી. પછી પુરાણી તથા સંતોની ચંદન, પુષ્પહારથી પૂજા કરી વસ્ત્રો ઓઢાડ્યાં ને કીર્તન બોલ્યા, તે વખતે ઠાકોરજીની પાલખી તૈયાર થઈ એટલે હરિભક્તો ઉત્સવ કરવા લાગ્યા. એમ ધામધૂમથી સંત-હરિભક્તો ગંગાજીએ જવા ચાલ્યા, ત્યારે ગામનાં ઘણાં બાઈભાઈ, નાનાંમોટાં હરિભક્તો દર્શન કરતાં હતાં. આ દિવ્ય મુક્તમંડળ તથા પાલખીમાં શ્રીજીમહારાજનાં દર્શન ધનબા પણ છેટે બેસીને કરતાં હતાં. આમ ઉત્સવ કરતાં કરતાં સૌ ગંગાજીએ પહોંચ્યાં, પછી સૌને ઠાકોરજીને જમાડવાનું મોડું ન થાય તે માટે તુરત જ અનાદિ મુક્તરાજ બાપાશ્રીએ તથા સંતોએ મળી ચરણારવિંદની પ્રતિષ્ઠા કરી આરતી ઉતારી સૌ ‘જય’ બોલ્યા ને દંડવત્ કર્યા; પછી દર્શન કરી પ્રથમની પેઠે વાજતેગાજતે મંદિરમાં આવીને સંત-હરિભક્તોએ ઠાકોરજીને જમાડ્યા.
આમ મુક્તરાજ ધનબાની પારાયણ તથા ગંગાજીએ ચરણારવિંદ પધરાવવાનો સંકલ્પ પૂરો થયા પછી હરિભક્તો સહુ દર્શન કરી આશીર્વાદ લઈ, પોતપોતાને ગામ ગયા ને બાપાશ્રી તથા સંતો બીજે દિવસ વૃષપુર જવા નીકળ્યા ત્યારે ઘણા હરિભક્તો વળાવવા ચાલ્યા. એ વખતે ધનબાએ ઘણો રાજીપો જણાવી બાપાશ્રીને કહ્યું જે, ‘ભાઈ! આ ફેરે પારાયણને દિવસે જ સ્વામી ધામમાં પધાર્યા તેથી મેં જાણ્યું જે, હવે કેમ થશે? પણ આ કથાવાર્તારૂપી યજ્ઞ તો તમારી દયાથી સર્વોપરી થયો.