૧૯ - મૂલે જતા ત્યારે
આવી રીતે પાંચાભાઈનો વ્યવહાર દુર્બળ હોવાથી આ અનાદિ મુક્તરાજ ક્યારેક કોઈ કોઈની વાડીમાં મૂલે (કામે) જતા. બીજા કામ કરનારા કરતાં પોતે કામ ઘણું કરે, છતાં દેખાવ એવો, જાણે ધીમે ધીમે કામ કરતા હોય. તેમની વૃત્તિ અખંડ મૂર્તિમાં રહ્યા કરે છે, એ વાત કેટલાકના જાણવામાં આવી ગઈ હતી, તેથી કોઈ તેમને વધુઘટુ કામનું કહેતા નહિ. પણ પોતાને એવું જ તાન કે મૂલે ગયા હોઈએ તેનું કામ પૂરું કરવું. ક્યારેક ઘાસનો કે કડબનો ભારો માથે ઉપાડીને આવતા હોય ત્યારે કોઈ એમ જાણે જે, આવડો ભાર આમનાથી કેમ ઊપડતો હશે? કોઈ પૂછે કે, ‘તમને ભાર નથી લાગતો?’ ત્યારે પોતે એમ ઉત્તર આપે જે, ‘મહારાજની મૂર્તિ ધારીએ એટલે ભાર લાગે નહિ; અને આપણે મહારાજ વિના બીજું કાંઈ જોવું નહિ.’ આવાં મર્મવચન કહે, પણ એ મર્મ બીજા ક્યાંથી સમજી શકે?
એક વખત વૃષપુરથી ઉત્તરાદિ તરફના કોઈ ખેતરમાં આ મુક્તરાજ કોરડ વાઢવા મૂલે ગયા હતા. બીજા માણસો પ્રથમથી કોરડ વાઢતા હતા, તે બોલવા લાગ્યા જે, ‘આ ભગત મૂલે આવ્યા તે કોરડ (મઠ) વાઢશે કે આંખો મીંચીને બેસી રહેશે?’ આ વચન સાંભળીને તે દિવસ એવી તો કોરડ વાઢવા માંડી કે બીજા માણસો કામે આવેલા તે કોઈ એમને પહોંચી શક્યા નહિ. એટલે સૌને ઈર્ષા આવી; તેથી ખેતરના ધણીને કહ્યું જે, ‘આ ભગત કોરડ વાઢે છે કે બગાડે છે? જુઓ તો ખરા!’ એટલે તરત જ તેમણે જઈને જોયું તો વધુ કામ કરેલું હતું! તેથી ઉલટો એ રાજી થયો ને કહેવા લાગ્યો જે, ‘આ લોકો તો અમથા ઈર્ષાએ બોલે છે, આમણે તો ચારપાંચ માણસ કામ કરે તેટલું કામ કર્યું છે.’ –એમ કહી તેમણે જૂઠું બોલનારા માણસોને ઠપકો આપ્યો. પછી જ્યારે આ મુક્તરાજ કામ બંધ કરી ગાડું-બળદ લઈ સાંજે ઘેર જવા ચાલ્યા ત્યારે તે ખેતરના ધણીને કહ્યું જે, ‘મારા કામને આ લોકના માણસ શું પારખે?’
આવી જ રીતે એક વખત કેરાની સીમમાં નાથા પાંચાણીની જાર ઉખાડવા પોતે મૂલે ગયા હતા, ત્યાં બીજા વીશ જેટલા માણસ કામ કરતા હતા. એ બધા જોઈ રહ્યા ને આ મુક્તરાજે તો પાંચછ માણસનું કામ એકીસાથે કરવા માંડ્યું, તે એમ ને એમ સાંજ સુધી કર્યું; બીજા બધા જોઈ રહ્યા કે આ તે કઈ રીતે કામ કરે છે? પછી સાંજે નાથા પટેલે રાજી થઈને કડબનું ગાડું ભરી આપીને કહ્યું જે, ‘આ કડબ તમારે ઘેર લઈ જાઓ, આજ તને ઘણું કામ કરી નાખ્યું. તેથી હું રાજી થઈને આપું છું.’ પછી તે કડબનું ગાડું ઘેર લઈ આવ્યા. આવી રીતે ક્યારેક બળવાનપણું પણ જણાવતા.