૬૧૧ - વરસી નિમિત્તે ભૂજમાં પારાયણ

0:000:00

એક દિવસ સદ્‍ગુરુઓ પાસે પોતાના પુત્રોને બોલાવીને કહેવા લાગ્યા જે, ‘સ્વામી! આ અમારા કાનજી ને મનજીની મા ધામમાં ગયેલ છે તેની વરશી વાળવાની છે, તેમાં ભૂજમાં ઠાકોરજીના થાળ કરવા ને સંતોને રસોઈ આપવી છે તથા મનજીની દીકરી કાનબાઈની વતી મંડળ ભરવાનું છે; વળી મહારાજની કૃપાથી મને પણ શરીરે ઠીક થયું છે, તેથી જાણું છું જે, ‘વચનામૃતની કથા કરાવીએ.’ ત્યારે સ્વામીશ્રી આદિ સૌ રાજી થયા. સંતોને તો એમ જે, ‘કેમેય કરતાં બાપાશ્રીને સારું થઈ જાય.’ પછી ભૂજ કેવી રીતે જઈ શકાશે, તે વિચાર ચાલ્યો, ત્યારે હરિભક્તો કહે, ‘બાપા! વારાફરતી સૌ ખાટલો ઉપાડીને લઈ ચાલશું,’ ત્યારે પોતે ના પાડી. પછી માંચીનું કહ્યું તોય કહે, ‘ઉપાડનારને કઠણ પડે,’ –એમ કહી ધનજીભાઈની ગાડી મગાવી તેમાં બેસીને ભૂજ ગયા. સંત-હરિભક્તોને આગળથી મોકલી દીધા હતા ને પોતે પધાર્યા એટલે સંતો સાથે ત્રણ દિવસમાં વચનામૃતની પારાયણ કરવાનું નક્કી કર્યું ને ગામડે ખબર આપી દીધા. બીજે દિવસ કથા બેઠી ત્યારે પોતે સભાને દંડવત્ કરવા લાગ્યા. તે જોઈ સંતોએ ઝાલી રાખ્યા ને કહ્યું જે ‘રાખો!’ ત્યારે બાપાશ્રી કહે, ‘અમે તો મહારાજને દંડવત્ કરીએ છીએ.’ તોય સંતો કહે, ‘સહુ આમ જ રાજી રહે છે. દંડવત્ કરવાનું હવે કાંઈ નહિ.’ પછી બાપાશ્રી સૌને ‘જય સ્વામિનારાયણ’ કરી સભામાં બેસી કથા સાંભળવા લાગ્યા. વળી સાંજે પણ એ જ રીતે સભામાં બેઠા. વચમાં એક દિવસ પાછો તાવ બહુ આવી ગયો ને રાત્રે તો જાણે કાંઈ શુદ્ધિ જ નહિ. બોલે તોપણ એમ જે, ‘મારા પાસે કોઈ આવશો નહિ, મને તમે ઘડી ઘડી જમવાનું કેમ કહો છો?’ એવું એવું બોલે, પણ પછી તો એટલી સ્મૃતિયે રહી નહિ; તે રાત્રે કરાંચીથી લાલુભાઈ દર્શને આવ્યા, તેમણે ઘણા દંડવત્ કરી પ્રાર્થના કરી, પણ કાંઈ ઉત્તર ન મળતાં તે બહુ ઉદાસ થઈ ગયા. પછી સવારે સૌ જાગીને નિત્યવિધિ કરવા લાગ્યા. મંગળાઆરતી પણ થઈ ગઈ, તેથી સૌને એમ થતું જે, ‘બાપાશ્રી જાગ્રતઅવસ્થા જણાવે ત્યારે ખબર પડે જે કેમ છે?’ ઘણી વાર વાટ જોતાં બાપાશ્રીને એવી જ સ્થિતિમાં જોઈ, સેવક સોમચંદે પાસે બેસી ઊંચે સાદે પ્રભાતિયું બોલવા માંડયું જે, ‘મૂર્તિ તમારી મારા શામ, શોભા ધામ છે, છબી પર વારું કોટિક કામ કે જન અભિરામ છે.’ –આ પ્રભાતિયું પૂરુ઼ં બોલાઈ રહ્યું, ત્યારે બાપાશ્રી પાધરા જ જાગ્રતઅવસ્થામાં આવી ગયા ને બોલ્યા જે, ‘સ્વામી! આજ અમારે નાહવાનું મોડું થઈ ગયું. મદંવાડનાં કામ જ એવાં છે, અમે તો રોજ ચાર વાગ્યે નાહીએ. આજ તો આટલું બધું મોડું થયું. હશે! મહારાજની મરજી,’ – એમ કહી ઊઠયા, પછી સેવકો હાથ ઝાલી નાહવા માટે લઈ ગયા ને ધીરે રહી દાતણ કરાવી નવરાવ્યા. પછી સંતોએ પૂજાનાં દર્શન કરાવ્યાં ને ચંદન ઘસી કપાળમાં તિલક તથા મોટો ચાંદલો કર્યો. થોડી વારે પૂજા કરી રહ્યા ત્યારે ભૂજના સ્વામી ભક્તિપ્રિયદાસજીને બોલાવીને કહ્યું કે, ‘સ્વામી! મારા કપાળમાં તિલક છે કે નહિ તે બરાબર જુઓ!’ ત્યારે તે કહે, ‘બાપા! તિલક ને ચાંદલો બેય છે.’ ત્યારે પોતે તેમને કહેવા લાગ્યા જે, ‘સ્વામી! મને શરીરે ઠીક ન હોય તોય તિલક, ચાંદલો ને પૂજા કર્યા વિના રહેવાય નહિ. આ તિલક ને ચાંદલો અક્ષરધામનાં છે, તે કપાળમાં હોય તો અક્ષરધામમાં મહારાજ પાસે જતાં કોઈ રોકે નહિ ને એ ન હોય તો કોઈ શું જાણે કે, આ સત્સંગી હશે?’ એમ તિલક-ચાંદલાનો મહિમા જણાવ્યો; પછી ઠાકોરજીનાં દર્શન કરી સભામાં આવ્યા ત્યારે પુસ્તક તથા પુરાણીની પૂજા કરી સૌને ‘જય સ્વામિનારાયણ’ કર્યા; પછી ઘણી વાર બેઠા. તે દિવસે પોતાને ઠીક જણાતાં બપોરે, સાંજે તથા રાત્રે પણ એવી જ રીતે સભાપ્રસંગે સૌને દર્શન આપ્યાં.

પછી સમાપ્તિના દિવસે સંત-હરિભક્તોને લાડુ-પૂરીની રસોઈ કરાવી જમાડ્યા તથા બાઈઓના મંદિરમાં કથા કરાવેલ હોવાથી ત્યાં પણ સાંખ્યયોગી બાઈઓને જમાડી સાડલા આપ્યા ને બ્રાહ્મણોને જમાડી દક્ષિણા આપી તથા મંદિરની ગાયોને લીલી ચાર નંખાવી. આમ તે વરશીના કાર્યમાં ત્રણ દિવસ સુધી હરિભક્તોને કથાવાર્તા ને દર્શને-દાને સુખિયા કર્યા; પછી મૂળીના સંતોમાંથી જેને દેશમાં જવાનો વિચાર હતો તેને ત્યાંથી જ વિદાય કર્યા તેમ જ બીજાં ગામોમાંથી કેટલાક હરિભક્તો આવેલા તેમને પણ ત્યાંથી જ રજા આપી; પછી ધનજીભાઈના આગ્રહથી પોતે સદ્‍ગુરુઓએ સહિત નારાયણપુર પધાર્યા. ત્યાં એક રાત રહી પાછા વૃષપુર આવ્યા, ત્યાં વળી કથાવાર્તારૂપ જ્ઞાનયજ્ઞ ચાલતાં સહુને આનંદ વર્તવા લાગ્યો.