૫૪૧ - અષાઢી અમાસનો ઉત્સવ
બાપાશ્રી હવે થોડા દિવસ વૃષપુર રહ્યા થકા સવાર-સાંજ મંદિરમાં કથાવાર્તા કરી હરિભક્તોને રાજી કરવા લાગ્યા. પોતે રોજ બપોરે વાડીએ જાય. ત્યાં વ્યવહારના કામકાજનું પુત્ર-પૌત્રાદિક કાંઈ પૂછે તો તેને ઘટતી ભલામણ કરે. કોઈ ભૂજ કે ગામડાંના હરિભક્તો દર્શન કરવા આવ્યા હોય તો તેમને મહારાજના દિવ્ય સુખની વાતો કરી રાજી કરે, કોઈને ઘેર લઈ જઈ જમાડે. માથે હાથ મૂકે, બોલાવે, મળે એમ બહુ પ્રકારે રાજી કરતા. જ્યારે અષાઢ મહિનાની અમાસ આવી ત્યારે વર્ષોવર્ષના નિયમ પ્રમાણે પોતે હરિભક્તોએ સહિત છત્રીએ જવા તૈયાર થયા. ગામડાંના હરિભક્તો સહુ જાણી ગયા હતા કે, બાપાશ્રી અષાઢી અમાસે ગામનાં નાનાં બાળકોને જમાડે છે અને તે વખતે બહુ આનંદ થાય છે. આથી ફરતા ગામડાંના કેટલાક હરિભક્તો ત્યાં દર્શન કરવા આવી પહોચ્યાં. ગામના હરિભક્તોને તો આવું નિમિત્ત હોય એટલે આનંદ, તેથી એ પણ સૌની સાથે ઠાકોરજીને પાલખીમાં પધરાવી ચંદન-પુષ્પથી પૂજા કરી કીર્તન બોલતા ને ઉત્સવ કરતા છત્રીએ આવ્યા. ત્યાં છત્રી પર મહારાજની મૂર્તિ પધરાવી સૌએ દંડવત્ કર્યા ને છત્રીના પરથાર પર બાપાશ્રીને પછેડી પાથરી બેસવાનું કહ્યું, ત્યારે બાપાશ્રી કહે, 'અહીં કેમ?' ત્યારે હરિભક્તોએ ગરબી ગાવાની ઇચ્છા બતાવી, તેથી પોતે છત્રીને ઓઠીંગણે બેઠા. તે વખતે ગામડેથી કેટલાક હરિભક્તો હજારી ફૂલના હાર લાવેલા, તે મહારાજની મૂર્તિને તથા બાપાશ્રીને પહેરાવવા લાગ્યા. એક કોર શીરો, શાક ને ખીચડી આદિ પાક તૈયાર થયા હતા ને બીજી કોર છત્રીને ફરતા હરિભક્તો ગરબી ગાવા લાગ્યા. ઘણી વાર હર્ષભર્યા કીર્તન બોલતા સૌનાં જાડાં કેડિયાં પણ પરસેવે રેબઝેબ થઈ ગયાં. એ વખતે નારાયણપુરથી ધનજીભાઈના દીકરા પ્રસાદી તૈયાર કરીને લાવેલા હતા, તે લઈ બાપાશ્રીએ ઊભા થઈ મહારાજને જમાડી સહુને વહેંચી પછી બેઠકમાં સભા કરી હરિભક્તોને વચનામૃત વાંચવાનું કહ્યું, એટલે બાપાશ્રીના પૌત્ર માવજીભાઈ વચનામૃત વાંચવા મંડ્યા. ઘણી વાર એ રીતે કથા થયા પછી થાળ તૈયાર થઈ ગયેલ છે, એવા ખબર આવતાં બાપાશ્રી ઊઠીને ત્યાં ગયા ને ઠાકોરજીને જમાડી દીધા. પછી બાળકોની પંક્તિ કરાવી હરિભક્તો પાસે પીરસાવ્યું. એ ટાણે બાળકો ધૂન્ય કરતાં હતાં તે 'જય' બોલાવી જમવા લાગ્યાં. તે વખતે બાપાશ્રી સૌની વચ્ચે ફરી દર્શન દેતા હતા, ત્યાં આકાશમાં વાદળાં છાઈ રહ્યાં. એવી શોભામાં વળી એક પડખે હરિભક્તો પ્રસન્ન થકા ઉત્સવ કરવા લાગ્યા, તેથી એ સ્થાન ગાજવા માંડ્યું. આ રીતે બાળકો જમી રહ્યાં ત્યાં સુધી ધામધૂમ થઈ. એ ટાણે ભોગીલાલભાઈ, ધનજીભાઈ, સોની મોતીભાઈ, આદિ હરિભક્તો ભૂજથી દર્શન કરવા આવ્યા. તે સૌ બાપાશ્રીને હાર પહેરાવી દંડવત્ કરી મળ્યા. તેમના પર પોતે ઘણી પ્રસન્નતા જણાવી, હરિભક્તોએ સહિત પાછા ગાજતેવાજતે ગામમાં આવ્યા ને કેટલાંક ગામડેથી આવેલા હરિભક્તો ત્યાંથી જ રજા લઈ પોતપોતાને ગામ ગયા.